પ્લાસ્ટિકનો કચરો પેદા કરવામાં India is number one

અભ્યાસ માટે વિશ્વભરના ૫૦ હજારથી વધુ શહેરોમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કચરાની તપાસ કરવામાં આવી

New Delhi, તા.૬

આધુનિકતા અને ટેકનોલોજીકલ પ્રગતિની વૈશ્વિક દોડમાં અંધ બની ચૂકેલી માનવજાત હવે ‘હાથના કર્યા હૈયે વાગે’ને ન્યાયે જાતજાતના દુષ્પરિણામો ભોગવી રહી છે. તદુપરાંત ખોરવાઈ ગયેલું ઋતુચક્ર, પ્રદૂષિત વાતાવરણ, છાશવારે ત્રાટકતા વાયરસ એના અમુક ઉદાહરણ છે. એવી જ એક સમસ્યા છે ગાર્બેજ એટલે કે કચરાની. બાયોડિગ્રેડેબલ હોય એવો કચરો તો થાળે પડી જાય, પરંતુ પ્લાસ્ટિક જેવા કચરાનું શું? એને કેમ નાથવો એની સમસ્યા દુનિયાભરના દેશોને અકળાવી રહી છે. એમાંય તાજા સમાચાર એવા આવ્યા છે કે પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં આપણો ભારત દેશ પહેલા નંબરે છે!

બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્‌સના સંશોધકોએ તાજેતરમાં આ દિશામાં સંશોધન કરીને જણાવ્યું છે કે વિશ્વમાં દર વર્ષે એટલો બધો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે કે એનો ઢગલો કરીએ તો એ ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ ’એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ જેટલો ઊંચો થઈ જાય. આ બિલ્ડિંગ ૧૦૨ માળ ઊંચું છે, એટલે કલ્પના કરો કે કચરાનો કેવો પહાડ સર્જાય. અભ્યાસ માટે વિશ્વભરના ૫૦ હજારથી વધુ શહેરોમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કચરાની તપાસ કરવામાં આવી છે.

વિશ્વમાં દર વર્ષે ૫.૭ કરોડ ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, જેમાં સૌથી વધુ ફાળો દક્ષિણ ગોળાર્ધના દેશો આપે છે. એમાંય ભારત નંબર વન છે. એક વર્ષમાં ભારત ૧.૦૨ કરોડ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આ આંકડો બીજા નંબરે રહેલા દેશ દ્વારા પેદા કરાતા પ્લાસ્ટિક કચરાના પ્રમાણ કરતાં બમણા કરતાં પણ વધારે છે. વિશ્વની ૧૫ ટકા વસ્તી પાસેથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં દુનિયાભરની સરકારો નિષ્ફળ જાય છે. આ ૧૫ ટકા વસ્તીમાં એકલા ભારતના જ ૨૫.૫ કરોડ લોકોનો સમાવેશ થાય છે. ટોપ ફાઇવ પ્રદૂષક દેશોમાં ૧.ભારત ૨.નાઈજીરિયા  ૩.ઈન્ડોનેશિયા ૪.ચીન ૫.પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

ચોથા સ્થાને રહ્યું હોવા છતાં ચીન માટે આશ્વાસન લઈ શકાય એવી ટિપ્પણી અહેવાલમાં કરવામાં આવી છે કે, ચીન એનો કચરો ઘટાડવામાં સારીએવી સફળતા હાંસલ કરી રહ્યું છે. પ્લાસ્ટિક પ્રદૂષણ પેદા કરતાં દેશોના લિસ્ટમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે બાંગ્લાદેશ, રશિયા અને બ્રાઝિલ છે. સંશોધકોએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે વાર્ષિક ૫૨,૫૦૦ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું અમેરિકા આ યાદીમાં ૯૦ માં ક્રમે છે અને ૫,૧૦૦ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું બ્રિટન ૧૩૫ માં સ્થાન પર છે.

પ્લાસ્ટિક-પ્રદૂષક શહેરોની વાત કરીએ તો દુનિયામાં નંબર વન પર આવે છે નાઇજિરિયાનું સૌથી મોટું શહેર ‘લાગોસ’. એ પછી ભારતનું પાટનગર ‘દિલ્હી’, અંગોલાની રાજધાની ‘લુઆન્ડા’, પાકિસ્તાનનું ‘કરાંચી’ અને ઇજિપ્તના ‘કૈરો’ને સ્થાન મળ્યું છે.

ફક્ત માનવજાત માટે જ નહીં, જીવજગત, કૃષિ અને જળ-જમીન માટે પણ પ્લાસ્ટિક કચરો સૌથી વધુ જોખમી છે, કેમ કે પ્લાસ્ટિકના નાનામાં નાના કણનો સંપૂર્ણ નિકાલ થતાં વર્ષો કે દાયકાઓ નહીં, સદીઓ લાગી જાય છે, અને ત્યાં સુધીમાં એ જેના જેના સંપર્કમાં આવે એ તમામ માધ્યમોને પ્રદૂષિત કરતું રહે છે.

પ્લાસ્ટિક કચરો પેદા કરતાં દેશોની યાદીમાં આપણો દેશ પહેલા નંબરે આવ્યો છે ત્યારે વાતેવાતે ભારતીય હોવા બાબતે ગર્વ લેતાં આપણે સૌ થોડી શરમ અનુભવીએ અને જ્યાં ને ત્યાં કચરો ફેલાવતા અટકીએ, એ દેશ અને દુનિયાના હિતમાં હશે.

 

Leave a Comment