Mumbai,તા.04
ઘરઆંગણે ક્રુડ તેલની માગમાં વધારો થતાં ઈરાક તથા સાઉદી અરેબિયા જેવા પરંપરાગત પૂરવઠેદારો પાસેથી ગયા મહિને ભારતની ક્રુડ તેલની આયાતમાં નોંધપાત્ર વધારો વધારો થયો હતો. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ઈરાક તથા સાઉદી અરેબિયા ખાતેથી ક્રુડ તેલની આયાત અનુક્રમે ૧૬ ટકા અને ૩૭ ટકા ઊંચી રહી હતી.
ગયા મહિને ઈરાક પાસેથી દૈનિક ૮.૯૦ લાખ બેરલ જ્યારે સાઉદી અરેબિયા ખાતેથી દૈનિક ૬.૮૮ લાખ બેરલ ક્રુડ તેલની આયાત કરવામાં આવી હતી. જો કે ગયા મહિને ભારતની ક્રુડ તેલની કુલ આયાતમાં પ્રતિ દિન ૧૭.૯૦ લાખ બેરલ સાથે રશિયા ટોચનું પૂરવઠેદાર જળવાઈ રહ્યું હતું એમ પ્રાપ્ત સરકારી ડેટા જણાવે છે.ભારતની ક્રુડ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૮ ટકા જેટલો રહ્યો હતો. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ક્રુડ તેલની એકંદર આયાત ૧૨.૭૦ ટકા વધી પ્રતિ દિન ૪૭ લાખ બેરલ રહી હતી.
આગામી તહેવારોની મોસમ દરમિયાન માગ વધવા સાથે આયાતમાં પણ વધારો થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
ભારત તેની ક્રુડ તેલની કુલ આવશ્યકતામાંથી ૮૫ ટકા આયાત મારફત પૂરી કરે છે. ૨૦૨૪ના પાછલા છ મહિનામાં ક્રુડ તેલના ભાવમાં ઘટાડો ભારત માટે પોઝિટિવ સ્થિતિ બની હતી, પરંતુ ઈઝરાયલ-ઈરાન તંગદિલીથી સ્થિતિ ફરી કથળી ગઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.ક્રુડ તેલના નીચા ભાવ દેશની ઓઈલ રિફાઈનરીના માર્જિનમાં વધારો કરાવે છે.