Mumbai,તા.05
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ઉભી થયેલ તંગદિલીને કારણે ભારતીય શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સામે પક્ષે સરકારી સપોર્ટને કારણે ચીન અને હોંગકોંગના શેરબજારોના માર્કેટ કેપમાં માત્ર ૧૫ ટ્રેડિંગ દિવસોમાં લગભગ ૩.૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. ચીન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા વ્યાજદરમાં કાપ અને પડકારોનો સામનો કરી રહેલા ક્ષેત્રોને નાણાકીય સહાય પૂરી પાડવા જેવા પગલાંઓ સહિતના અનેક મોટા આર્થિક પગલાઓ બાદ આ ઉછાળો આવ્યો છે.
૨ ઓક્ટોબર સુધીમાં ચીનની કુલ માર્કેટ કેપિટલ વધીને ૧૦.૧ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જે બે ટ્રેડિંડગ અઠવાડિયા અગાઉ ૧૩ સપ્ટેમ્બરના રોજ ૭.૯૫ ટ્રિલિયન ડોલર હતી. આ સમયગાળા દરમિયાન ચીનના બજારની માર્કેટ કેપિટલમાં અંદાજે ૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે, જે સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાના માર્કે કેપિટલાઇઝેશનની સમકક્ષ જ છે.
આ સમયગાળા દરમિયાન હોંગકોંગની માર્કેટ કેપિટલ ૪.૭૯ ટ્રિલિયન ડોલરથી વધીને ૬ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. છેલ્લા ૧૫ ટ્રેડિંગ દિવસોમાં તેમાં ૧.૨૫ ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે. આ વધારો સ્વીડન, નેધરલેન્ડ, યુએઈ, ડેનમાર્ક, સ્પેન અને ઇન્ડોનેશિયા જેવા દેશોના માર્કેટ કેપ જેટલો છે.
ચીનમાં આર્થિક પગલાંની જાહેરાત બાદથી શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પર લગભગ ૩૭ કંપનીઓના શેરના ભાવમાં ૧૦૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે ૨૦૦થી વધુ કંપનીઓના શેરના ભાવ ૪૦થી ૮૭ ટકા વધ્યા. હોંગસેંગ ઈન્ડેક્સ પર ૧૯ કંપનીઓએ ૫૦થી ૧૦૦ ટકાનો વધારો નોંધાવ્યો છે, જ્યારે ૫૦ કંપનીઓમાં ૧૦થી ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ચીનની સેન્ટ્રલ બેંક, પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ દેશના મુખ્ય વ્યાજ દર ૧.૭ ટકાથી ઘટાડીને ૧.૫ ટકા કર્યો છે. ઉપરાંત, બેંકો માટેનો આરઆરઆર ૦.૫૦ ટકા ઘટાડીને અર્થતંત્રમાં લગભગ ૧ ટ્રિલિયન યુઆન એટલેકે લગભગ ૧૪૨ અબજ ડોલરની રોકડ ઉમેરી હતી. આ પગલાંથી હાઉસિંગ લોનના દરમાં સરેરાશ ૦.૫૦ ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જેનાથી લગભગ ૫૦ લાખ પરિવારોને ફાયદો થશે અને તેમને લગભગ ૧૫૦ બિલિયન યુઆન વ્યાજની બચત થશે.
સપ્ટેમ્બર મહિના દરમિયાન સીએસઆઈ ૩૦૦ ઇન્ડેક્સમાં ૨૧ ટકાનો ઉછાળો આવ્યો, જે ૨૦૧૪ પછીનો સૌથી મોટી તેજી છે. શાંઘાઈ કમ્પોઝિટમાં ૨૦૧૫ બાદનો ૧૭ ટકાનો સૌથી શ્રેષ્ઠ અને હોંગસેંગ ઇન્ડેક્સ પણ ૧૭ ટકાના વધારા સાથે નવેમ્બર ૨૦૨૨ પછીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.