Site icon Shri Nutan Saurashtra

Bangladesh માં ફરી હિંસા : 92નાં મોત, સમગ્ર દેશમાં કરફયુ, ઇન્ટરનેટ બંધ

સત્તાધારી અવામી લીગના ટેકેદારો અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ

વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ સાથે સમગ્ર દેશમાં હિંસક દેખાવો : 13 જિલ્લાઓમાં કુલ ૯૨નાં મૃત્યુ

હસીનાએ પોતાના ઘરે સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી : બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબીના વડા હાજર

Dhaka,તા.05

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા શરૂ થઇ ગઇ છે. રવિવારે પોલીસ અને સત્તાધારી પક્ષનાં કાર્યકરો સાથે વિદ્યાર્થી દેખાવકારોની થયેલી અથડામણમાં ૧૪ પોલીસ સહિત ૯૨નાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ કરી રહેલા હજારો વિદ્યાર્થી દેખાવકારોને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.

સ્થાનિક મીડિયા અનુસાર બાંગ્લાદેશના ૧૩ જિલ્લાઓમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૯૨ લોકોનાં મોત થયા છે.

ગૃહ મંત્રાલયે રવિવાર સાંજે ૬ વાગ્યાથી અચોક્કસ મુદ્દતના કરફયુની જાહેરાત કરી છે. સરકારી એજન્સીએ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા મેટા પ્લેટફોર્મ બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોબાઇલ ઓપરેટરોને પણ ફોરજી મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રીમિનેશન નામના પ્લેટફોર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરૂઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોને તેમને સાથ ન આપવાની અપીલ કરી છે.

આ દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના ઘર ગણભવનમાં સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસ, આરએબી, બીજીબીના વડાઓ તથા અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Exit mobile version