એમડી ડ્રગ અને 454 ગ્રામ ગાંજા મળી રૂ. 11.57 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
Gondal તા.17
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ભરૂડી નજીકથી રૂ. 1.19 લાખના મેફેડ્રોન ડ્રગ અને 454 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધોરાજીના મહમદ લાખા અને રફીક હાલાની ધરપકડ કરી કુલ રૂ. 11.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એસઓજી ટીમને બાતમી મળી હતી કે, જીજે-14-ઝેડ-1430 નંબરનો ટ્રક શંકાસ્પદ નશાકારક દ્રવ્યો લઈને રાજકોટ-ગોંડલ હાઇવેથી ભરૂડી તરફ આવી રહ્યો છે.
દરમિયાન બાતમીવાળો ટ્રક જીજે-14-ઝેડ-1430 દેખાઈ આવતા ટ્રકને અટકાવી કેબીનમાં હાજર ડ્રાયવર અને અન્ય એક શખ્સને પોલીસ તરીકેની ઓળખ આપી જડતી શરૂ કરવામાં આવી હતી. જડતી દરમિયાન કેબીનમાથી એક થેલી મળી આવતા તેની તપાસ કરતા અંદરથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 454 ગ્રામ કિંમત રૂ. 4540 અને મેફેડ્રોન ડ્રગ્સ 11.95 ગ્રાન જેની કિંમત રૂ. 1,19,500નો જથ્થો મળી આવ્યો હતો.
એસઓજીએ માદક પદાર્થના જથ્થા સાથે મહમદ રમજાન યુસુફભાઇ લાખા(ઉ.વ.23), રહે ધોરાજી રસુલપરા, ઈદગાહની બાજુમાં અને રફીક મહમદ હાલા(ઉ. વ.28) રહે ધોરાજી જૂના ઉપલેટા રોડવાળાની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે માદક પદાર્થની સાથે બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટ્રક સહીત કુલ રૂ. 11,57,540નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.