Site icon Shri Nutan Saurashtra

હિજાબ પરથી પ્રતિબંધ ઊઠાવી લેવાનો આદેશ Supreme Court દ્વારા કરાયો

મુંબઈની એન.જી.આચાર્યા અને ડી કે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ અરજી પર ચુકાદો

Mumbai, તા.૯

મુંબઈની ખાનગી કોલેજો દ્વારા હિજાબ, ટોપી પહેરવા કે કોઈ બેજ પહેરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રતિબંધ સામે સ્ટે મૂકી દેતાં સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. મુંબઈની એન.જી.આચાર્યા અને ડી કે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતાં આ ચુકાદો આપ્યો હતો. વિદ્યાર્થીનીઓએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આગામી ૧૮ નવેમ્બર સુધી હવે હિજાબ પરથી પ્રતિબંધ ઊઠાવી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે.

જજે કોલેજ વતી હાજર વકીલને પૂછ્યું કે શું કોલેજના વહીવટી તંત્ર દ્વારા છોકરીઓનો ચાંલ્લો કરવા કે તિલક કરવા પર પ્રતિબંધ મૂકાશે? જજે કહ્યું કે વિદ્યાર્થીનીઓને એ વાતની છૂટ હોવી જોઈએ કે તેઓ શું પહેરીને કોલેજ આવે, તેમને દબાણ ન કરવું જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અચાનક જ તમને એવું લાગવા લાગ્યું છે કે દેશમાં ઘણાં બધાં ધર્મો છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે આ મામલે ચુકાદો આપતી વખતે કોલેજ દ્વારા મૂકવામાં આવેલી શરતો પર દંગ રહી ગયા હતા.

જસ્ટિસ ખન્નાએ કોલેજ વતી હાજર વકીલને ફટકાર લગાવતાં કહ્યું કે આ શું છે? આ પ્રકારના નિયમ લાગુ ન કરશો. તમે ધર્મ જાહેર ન કરવાની વાત કરો છો? તમારી કોલેજ જ આ નિયમ લાગુ કરવા માટે આ પ્રકારનું કારણ આપી રહી છે કે જેથી કોઈના ધર્મ જાહેર ન થાય.

 

Exit mobile version