મંદિર હોય કે દરગાહ… દબાણ હટાવવા જ પડશે, લોકોની સુરક્ષા સર્વોપરી: Supreme Court

New Delhi,તા.01

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર એક્શન વિરુદ્ધ કોર્ટ આજે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી કરી હતી.

ભારત બિનસાંપ્રદાયિક દેશ છે બુલડોઝર એક્શન અંગેનો આદેશ તમામ નાગરિકો માટે રહેશે

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઈડલાઈન જારી કરીશુ. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ તમામ માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઈન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય.

ખંડપીઠે 17 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે અમારી મંજૂરી વિના આરોપીઓ અને અન્ય લોકોની મિલકતો 1 ઓક્ટોબર સુધી તોડવામાં આવશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ કેસ છે તો તે આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અમારો આદેશ જાહેર સ્થળો જેમ કે રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈન અથવા જળાશયો પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર લાગુ નહીં થશે અને એ મામલા પર પણ લાગુ નહીં થશે જેમાં કોર્ટ દ્વારા તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Comment