બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા
Surat, તા.૧૭
આપણે ભલે ૨૧ મી સદીમાં રહેતા હોય અને આધુનિક જમાનાની વાત કરતા હોય પરંતુ આપણા સમાજમાં આજે પણ ઘણા એવા કિસ્સા બને છે જેની સામે સવાલ ઉભા થતા હોય છે, આવો જ એક કિસ્સો હાલ બારડોલીમાંથી સામે આવ્યો છે. બારડોલીના ઉમરાખ ગામ ખાતે અપહરણની ઘટના બની હતી. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા અને બહેનને પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા. જોકે બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને છોડાવી લીધા હતા, અપહરણ કારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
સુરત જિલ્લાના ઉમરાખ ખાતે ગઈકાલે સાંજના સમયે એક અપહરણની ઘટન બની હતી. બારડોલી નજીક આવેલા બામણી ગામના એક પરિવારના યુવકે ૧ વર્ષ પહેલાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ બારડોલી તાલુકામાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવારને આ મંજુર નહોતું અને યુવતીનો પરિવાર અવારનવાર યુવતીને પરત માંગી રહ્યા હતા. ગઈકાલે સાંજના સમયે યુવકના પિતા અને બહેન બારડોલીના ઉમરાખ ગામે આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા જ્યાંથી યુવતીના પરિવારના ચાર સભ્યોએ આર્ટિગા કારમાં યુવકના પિતા અને બહેનનું અપહરણ કરી લીધું હતું, અને તેઓને ઢોર માર મારી રાજસ્થાન લઈ જઈ ક્યાંક દફનાવી નાખવાની ધમકી આપી હતી.
અપહરણની ઘટનાની જાણ યુવકને થતાં યુવકે તરત જ બારડોલી રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી અને જિલ્લા એલસીબી તેમજ એસઓજીને જાણ કરી ચારે તરફ નાકાબંધી ગોઠવી દીધી હતી. આરોપીઓ જે તરફ અપહરણ કરીને લઈ જતા હતા એ તરફ માંગરોળના ઝંખવાવથી નર્મદા જિલ્લાના નેત્રંગ માર્ગ પરથી અપહરણકારોને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધા હતા.
પ્રેમ લગ્નને લઈને પરિવારો વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. પોતાની પુત્રીને પાછી મેળવવા માટે સાસરિયા પક્ષે જમાઈના જ પિતા અને બહેનનું અપહરણ કરી લીધું હતું. પોતાની પુત્રી પાછી નહીં આપે તો જાનથી મારી નાખવા સાથે પિતા-પુત્રીને માર મારવામાં આવ્યો હતો. અપહરણકારો દ્વારા માર મરાતા પિતા-પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે સારવાર અર્થે તેમને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રેમ લગ્નની અદાવતમાં પિતા-પુત્રીનું અપહરણ થતાં પોલીસ સહિત ભોગ બનનાર પરિવાર દોડતું થયું હતું પરંતુ સુરત એલસીબી પોલીસની ટીમે ફિલ્મી ઢબે અપહરણકારોને ઝડપી પાડતા પિતા-પુત્રીનો જીવ બચ્યો હતો.
મહત્વનું છે કે, તમામને બારડોલી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. અપહરણકારોએ ભોગ બનનાર યુવકના પિતા અને બહેનને માર મારતા બંનેને હાલ બારડોલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અપહરણની ઘટનામાં વાપરવામાં આવેલી અર્ટિગા કાર કબજે લીધી છે અને સમગ્ર ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે.