Surat શિક્ષણ સમિતિની ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને અંગ્રેજીના પાઠ ભણાવાશે

આખા ગુજરાતમાં એક માત્ર શાળાની પસંદગી

Surat,તા,03

ગુજરાતી બાળકો તેમાં પણ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું અંગ્રેજી ઘણું જ કાચું હોય છે અને વાંચતા લખતા આવડતું નથી તેવું મહેણું હવે ભાંગવા જઈ રહ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન આપવા માટેનું કામ કરતી એન.જી.ઓ.એ. આખા ગુજરાતની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માટે સુરત શિક્ષણ સમિતિની શાળાની પસંદગી કરી છે. આજે આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ ટૂંકા ગાળામાં જ સમિતિની શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું વિના મુલ્યે શિક્ષણ આપશે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે તો કેટલાક વિદ્યાર્થીઓનું ભણતર કાચું છે. આવા સમયે દેશના છત્તીસગઢ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પ્રાથમિક શાળાના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને અંગ્રેજીના પાઠ ભણાવનાર ગેપ અપ કોર્સ અંતર્ગત સ્ટેપ અપ ફોર ઈન્ડિયા સાથ દો નામની, સંસ્થાએ ગુજરાતમાં આ કામગીરી માટે સુરતની પસંદગી કરી છે. કંપની ફંડ પ્રોજેક્ટ હેઠળ સુરત પાલિકાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને સ્પોકન ઈંગ્લીશ, ગ્રામર સહિતની શિક્ષણ આપશે.

સુરત સમિતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપશે અને તેના માટેના ફંડ શોધવાની કામગીરી પણ એન.જી.ઓ. દ્વારા જ કરવામાં આવશે. આ અંગે આજે મળનારી સામાન્ય સભામાં દરખાસ્ત પર નિર્ણય કરાશે ત્યારબાદ ટૂંક સમયમાં સમિતિની શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવશે.

6 હજારથી વધુ બાળકોને પહેલા તબક્કામાં અંગ્રેજીનું જ્ઞાન પીરસાશે, શિક્ષકોને પણ તાલીમ અપાશે

અન્ય રાજ્યમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિના મુલ્યે શિક્ષણ આપવાની કામગીરી કરતી એન.જી.ઓ.એ ગુજરાતમાં આ પ્રોજેક્ટ માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની પસંદગી કરી છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ 3 થી 5 ના 6 હજાર વિદ્યાર્થીઓને પહેલા તબક્કામાં શિક્ષણ આપવામાં આવશે. તેની સાથે આ એન.જી.ઓ. ધોરણ 3 થી 5 માં વિદ્યાર્થી અભ્યાસ કરાવતા શિક્ષકોને પણ તાલીમ આપશે. જો આ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે તાલીમ મળે તો સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં કળકળાટ અંગ્રેજી બોલતા જોવા મળશે.

Leave a Comment