stock market માં રેકોર્ડ તેજી સાથે ફોરેકસ રિઝર્વ 689 અબજ ડોલરની નવી ટોચ

Mumbai,તા.21

ભારતીય શેરબજારમાં રેકોર્ડ રેલી બાદ દેશના ફોરેકસ રિઝર્વમાં પણ વિક્રમી સિદ્ધિ જોવા મળી છે. ફોરેન ફન્ડોના સતત ઈન્ફલોસને પરિણામે દેશના ફોરેકસ રિઝર્વના સ્તરમાં વર્તમાન વર્ષમાં ૬૬.૨૬  અબજ ડોલરનો વધારો થયો છે જેને પરિણામે ફોરેકસ રિઝર્વનું સ્તર પણ ૬૮૯.૪૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ૧૩મી સપ્ટેમ્બરના સપ્તાહના અંતે ફોરેકસ રિઝર્વમાં ૨૨.૩૦ કરોડ ડોલરનો વધારો થયો છે.

૧૩મી સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહમાં સતત પાંચમા સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં વધારો જોવાયો છે.

૨૦૨૩ના અંતે ફોરેકસ રિઝર્વનું સ્તર ૬૨૩.૨૦  અબજ ડોલર રહ્યું હતું જે ૨૦૨૪ના ૧૩ સપ્ટેમ્બરના અંત સુધીમાં વધી ૬૮૯.૪૬ અબજ ડોલર રહ્યું છે.

અમેરિકામાં વ્યાજ દરમાં ૫૦ ટકાના નોંધપાત્ર ઘટાડા બાદ વિદેશી ફન્ડોનું ભારતીય ઈક્વિટીસમાં  આકર્ષણ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જે ફોરેકસ રિઝર્વમાં વધુ વધારો કરાવશે.  વૈશ્વિક સ્તરે ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ચીન, જાપાન, સ્વીત્ઝરલેન્ડ બાદ ભારતનો ચોથો ક્રમ રહ્યો છે. જો કે વર્તમાન વર્ષમાં રિઝર્વમાં ઉમેરામાં ભારત અન્ય દેશોની સરખામણીએ ટોચના સ્થાને રહ્યું છે.

વૈશ્વિક સ્તરે ૩૨૮૮ અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં ચીન પ્રથમ ક્રમે છે. જાપાન ૧૨૩૫ અબજ ડોલર અને સ્લીત્ઝરલેન્ડ ૮૦૨ અબજ ડોલરનું રિઝર્વ ધરાવે છે. ચીને તેની ૭૦૦ અબજ ડોલરની સપાટી બે દાયકા પહેલા જ હાંસલ કરી લીધી હતી.

ભારતના ફોરેકસ રિઝર્વમાં ૨૦૨૩ના સંપૂર્ણ વર્ષમાં ૬૦ અબજ ડોલરનો ઉમેરો થયો હતો જ્યારે   ૨૦૨૪ના પ્રથમ આઠ મહિનામાં જ ભારતે આ સ્તર પાર કરી લીધુ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

૨૦૨૪માં ફોરેકસ રિઝર્વમાં ઉમેરાની દ્રષ્ટિએ ૭.૭૦ ટકા સાથે ભારત વિશ્વમાં ટોચના સ્થાને રહ્યું છે જ્યારે સ્વીત્ઝરલેન્ડમાં ૨.૬૦ ટકા અને ચીનના રિઝર્વમાં ૧.૩૦ ટકા વધારો થયો છે.

પ્રાપ્ત આંકડા પ્રમાણે ૨૦૨૪માં ભારતીય ઈક્વિટીસમાં તથા ઋણ સાધનોમાં  વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની અત્યારસુધી  અનુક્રમે રૂપિયા ૭૭૮૫૩ તથા રૂપિયા૧૦૫૨૩૮ કરોડની નેટ ખરીદી રહી છે.

ફોરેકસ રિઝર્વનું વર્તમાન સ્તર ૧૨ મહિનાથી વધુના આયાત બિલને પહોંચી વળાય તેટલું છે. ફોરેકસ રિઝર્વના મજબૂત સ્તરને ભારતીય રૂપિયો ડોલર સામે  અન્ય ચલણોની સરખામણીએ ઓછો વોલેટાઈલ જોવા મળી રહ્યો છે.

Leave a Comment