કરોડો ખર્ચી આ અબજોપતિ અંતરિક્ષમાં ફરવા ઉપડ્યો, SpaceX’s Falcon-9 rocket માં રવાના,

Rocket,તા,11

વિશ્વના ધનિકોની યાદીમાં સામેલ જેરેડ આઈઝેકમેન ઈલોન મસ્કના સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટમાં અંતરિક્ષની લટાર મારવા રવાના થયા છે. ઈલોન મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સ પાસેથી અઢી વર્ષ અગાઉ ત્રણ ખાનગી અંતરિક્ષ ટુરની ખરીદી કરનારાં ટેક અબજોપતિ જેરેડ આઈઝેકમેન આજે પ્રથમ ટુરમાં ફલોરિડાથી સ્પેસ એક્સના બે ઇજનેરો તથા વાયુદળના એક ભૂતપૂર્વ વિમાનચાલક સાથે અંતરિક્ષમાં જવા ફાલ્કન 9 રોકેટ દ્વારા રવાના થયા હતા. પાંચ દિવસની આ ફલાઇટમાં આઈઝેકમેન બુધવારે અથવા ગુરૂવારે બે કલાક અંતરિક્ષમાં લટાર મારશે.

પ્રથમ વખત કોઈ સામાન્ય વ્યક્તિ અંતરિક્ષમાં જશે

જો આયોજન અનુસાર મુસાફરી પાર પડશે તો આ પહેલીવાર કોઇ નાગરિક અંતરિક્ષમાં લટાર મારશે. 1965માં પહેલીવાર રશિયનોએ સોવિયેત યુનિયન યુગમાં અવકાશયાનનું હેચ અવકાશમાં ખોલવાનો પ્રયોગ કર્યો હતો. એ પછી સ્પેસ વોક કરવાનું તાલીમબદ્ધ અંતરિક્ષ યાત્રીઓ માટે સામાન્ય બની રહ્યું છે, પરંતુ આજે પણ તે અવકાશયાત્રામાં સૌથી જોખમી કામગીરી ગણાય છે. આ બે કલાકની અંતરિક્ષ લટારમાં આઈઝેકમેન તેમની કેપ્સ્યુલથી દૂર નહીં જાય.

1400 કિમીની ઊંચાઈ જશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન-આઇએસએસથી ઉંચાઇમાં ઘણાં આગળ એટલે કે 870 માઇલ (1400 કિલોમીટર)ની ઊંચાઇએ પ્રથમવાર કોઇ પ્રવાસી જવાનું સાહસ ખેડી રહ્યા છે. એપોલો મિશનના 24 અવકાશયાત્રીઓ જ આનાથી આગળ ગયા છે. અતિ કિરણોત્સર્ગ અને જાત જાતના કાટમાળથી ગ્રસ્ત આ ઉંચાઇએ દસ કલાક વિતાવવાની આ પ્રવાસીઓની યોજના છે. એ પછી તેઓ તેમની ભ્રમણકક્ષાને ઘટાડી અડધા અંતરે એટલે કે 700 કિલોમીટરે પાછાં ફરશે.

ચાર અંતરિક્ષ યાત્રી આ રીતે અનુભવ કરશે

આ દસ કલાક દરમ્યાન તમામ ચાર અંતરિક્ષ યાત્રીઓ સ્પેસ એક્સ દ્વારા વિક્સાવવામાં આવેલાં નવા સ્પેસ સૂટનું પરિક્ષણ પણ કરશે. બે કલાકની સ્પેસ વોક એટલે કે અંતરિક્ષ લટાર માટે સમગ્ર ડ્રેગન કેપ્સ્યુલને ડિપ્રેશરાઇઝડ કરવામાં આવશે. જેને કારણે તમામ અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષના ભયંકર હવામાનનો અનુભવ કરશે. આઈઝેકમેન તથા સ્પેસ એક્સની સારાહ જિલિસ હેચ ખોલી વારાફરતી અંતરિક્ષમાં કદમ માંડશે. તેઓ પ્રથમ તેમના શરીરને વાળીને તેમના ખાસ સ્પેસ સૂટનું પરીક્ષણ કરશે. આ દરમ્યાન તેમનો હાથ અથવા પગ તો કેપ્સ્યુલને અડકેલા જ રહેશે. પાઇલટ કીડ પ્રોટીટ અને સ્પેસ એક્સની અન્ના મેનન કેપ્સ્યુલની અંદરથી આ અંતરિક્ષ લટાર પર નજર રાખશે. અગાઉની જેમ આ ફલાઇટ પણ ફલોરિડાના કાંઠે દરિયામાં સમાપ્ત થશે.

41 વર્ષના આઈઝેકમેને અંતરિક્ષમાં રવાના થતાં પૂર્વે જણાવ્યું હતું કે જ્યારે માણસે ચંદ્ર પર પગ મુક્યો ત્યારે મારો જન્મ થયો નહોતો. પરંતુ મારા સંતાનો માણસોને ચંદ્ર અને મંગળ પર ફરતાં જોશે તો તે મને ગમશે. જો કે, ખરાબ હવામાનને કારણે આ અંતરિક્ષ યાત્રા શરૂ થવામાં પખવાડિયાનો વિલંબ થયો હતો અને તેમણે પરત આવતી વખતે પણ હવામાન અનુકૂળ હોય તેનુ ઘ્યાન રાખવું પડશે. તેમની પાસે હવામાન અનુકૂળ બને તેની રાહ જોયા સિવાય બીજો કોઇ વિકલ્પ હશે નહીં.

Leave a Comment