Site icon Shri Nutan Saurashtra

મને બાળક આવ્યા બાદ ભાભી પ્રકારના રોલ મળવા લાગ્યા : Rubina Dilaik

રૂબિના દિલૈક અને અભિનવ શુક્લાને ત્યાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જોડીયા દિકરીઓ જીવા અને એદાનો જન્મ થયો

Mumbai, તા.૧૯

ટીવીના જાણીતા કલાકારો રૂબિના દિલૈક અને અભિનવ શુક્લાને ત્યાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જોડીયા દિકરીઓ જીવા અને એદાનો જન્મ થયો. ત્યારે હવે ફરી રૂબિના કામ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે તેની સામે માતા બન્યા પછી આવી રહેલાં પડકારો વિશે વાત કરી હતી. રૂબિના હાલ પોતાનો ચૅટ શો ‘કિસીને બતાયા નહીં’ હોસ્ટ કરી રહી છે. તેમાં તે પૅરેન્ટિંગને લગતી વાતો કરે છે. તાજેતરનાં તેના એપિસોડમાં જાણીતો કલાકાર શરદ કેલકર આવ્યો હતો, ત્યારે રૂબિનાએ પોતાના પડકારો અંગે પણ ખુલાસો કર્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં રહેલાં મહિલા કલાકારો માટેના ભેદભાવ અંગે વાત કરતાં રૂબિનાએ કહ્યું,“જ્યારે ફિમેલ એક્ટર્સને બાળક આવે છે, ત્યારે તેઓ ડિલીવરી પછી વજન ઘટાડી દે તો પણ તેમને એક જ પ્રકારના બીબાંમાં બંધ કરી દેવામાં આવે છે. મને ભાભી પ્રકારના રોલ મળવા માંડ્યા છે.” આ વાતના પ્રતિસાદમાં શરદે કહ્યું હતું,“હું તમને કહું, આ બહુ ક્રુર સત્ય છે, પરંતુ આ જ હકીકત છે, તમે તે નકારી ન શકો. એક પુરુષ કલાકારની મુખ્ય કલાકાર તરીકેની કારકિર્દી મહિલા કલાકાર કરતાં લાંબી હોય છે..તેમાં ભેદભાવ નથી, પરંતુ એ જ પ્રેક્ટિકલ છે. કારણ કે તમે ૧૮ વર્ષે મુખ્ય કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું અને તમે કમ સે કમ ૧૦ વર્ષ સુધી ટીવીના સ્ટાર હતાં. હવે બીજાનો વારો છે.” રૂબિનાએ ૨૦૨૩ના એક ઇન્ટરવ્યુમાં નવી બનેલી મા તરીકે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું,“મારી આ પહેલી પ્રેગ્નન્સી હતી, જેમાં મારે જોડીયાં દિકરીઓ આવી, તેથી અમારી પાસે સહેલાં કે અઘરાનાં કોઈ ઉદાહરણ કે ધારાધોરણો હતાં નહીં.  અમે આ નવ મહિના દરમિયાન અમારા મનથી તૈયારીઓ કરી રહ્યાં હતાં. એક બાળક હોય કે બે, તૈયારીઓ તો સરખી જ હોય છે. એક સાથે ઘણું ચાલી રહ્યું છે, એ મારા માટે જ નહીં પણ સમગ્ર પરિવાર માટે એક પડકાર છે. બધાં જ આ નવી લાઇફમાં એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યાં છે.” રૂબિના ‘છોટી બહુ’, ‘શક્તિ’, ‘પુનર્વિવાહ -એક નયી ઊડાન’ તેમજ ‘જિની ઔર જૂજૂ’ જેવા શો કરી ચૂકી છે. તેમજ તે બિગબોસ ૧૪ની વિજેતા રહી ચૂકી છે અને ‘ફિઅર ફેક્ટર’, ‘ખતરોં કે ખિલાડી ૧૨’ અને ‘ઝલક દિખલા જા ૧૦’માં ભાગ લઈ ચૂકી છે, જેમાંથી ઝલક શોમાં તે બીજા નંબરે રહી હતી.

 

Exit mobile version