તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટ,તા.૧૩
પશ્ચિમ બંગાળના કોલકાતામાં આર.જી.કર મેડિકલ કોલેજમાં ટીબી ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવનાર મહિલા રેસિડન્ટ ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યા કરવાના પીચાસી કૃત્યથી સમગ્ર દેશના મેડિકલ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવને પગલે કોલકાતામાં ડોકટરો અને મેડિકલ છાત્રો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને ભોગ બનનાર મહિલા ડોક્ટરને ન્યાય મળે તેમજ શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઘટનાના પડઘા ગુજરાતની મેડિકલ કોલેજોમાં પણ પડ્યા છે.
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશન ઇન્ટર્ન ડોક્ટર તથા યુ.જી. મેડિકલના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં હાજર રહી જુદા જુદા સ્લોગન સાથેના બેનર પ્રદર્શિત કરી કેન્ડેલ માર્ચ યોજી હતી અને પીડિતને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લીધો હતો. તેમજ તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ દાખવી હતી.વધુમાં જણાવ્યું હતું કે, અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબતમાં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંડોવાયેલા આરોપીને આકરી સજા કરી પીડિતાને ન્યાય આપવામાં આવશે. અને ભવિષ્યમાં પણ આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને તથા ડોક્ટર્સ સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દીઓની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદાની સરકાર અને તંત્ર પાસે માગ કરી છે.