Site icon Shri Nutan Saurashtra

Bank માં જમા રકમનો માત્ર પાંચમો ભાગ જ મહિલાઓના નામ પર

Mumbai,તા.20

ભારતમાં મહિલા સશક્તિકરણથી લઈને મહિલાઓની સહભાગીતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દેશભરના તમામ લોકોને નાણાંકીય સેવા મળે તે હેતુસર જનધન ખાતા અને તેમાં પણ મહિલાઓ માટે ખાસ યોજના અને સેવાથી લઈને બાદમાં લોનથી લઈને સ્ટેમ્પ ડયૂટીમાં મહિલાઓને રાહત સુધી સરકાર મહિલાઓની ભાગીદારી વધારવા અથાગ પ્રયત્નો કરી રહી છે. ધીરેધીરે આ પ્રયત્નોના પરિણામો પણ મળી રહ્યાં છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના નવા રિપોર્ટ અનુસાર બેંકોમાં દર ત્રીજું ખાતું મહિલાના નામે છે. જોકે સામે પક્ષે બેંકોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી માત્ર પાંચમા ભાગની રકમ જ મહિલા ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં છે. આ દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચે રહેલી નાણાકીય અસમાનતા દર્શાવે છે. તાજેતરના રિપોર્ટ અનુસાર દેશના બેંકિંગ સિસ્ટમમાં મહિલાઓનો હિસ્સો વધ્યો છે. જોકે સમરસતા કેળવવા માટે ભારતે હજી અનેક કપરા ચઢાણ ચઢવાના બાકી હોય તેમ આંકડા સૂચવે છે.

ડેટા દર્શાવે છે કે કુલ ૨.૫૨ અબજ વ્યક્તિગત ખાતાઓમાંથી માર્ચ, ૨૦૨૩ સુધીમાં કુલ ૩૬.૪ ટકા અર્થાત ૯૧.૭૭ કરોડ મહિલાઓના નામે હતા. આ ખાતાઓમાં હિંદુ અવિભાજિત પરિવારો, સ્થાનિક વ્યક્તિઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, સ્વરોજગાર, પગારદાર વ્યક્તિઓ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જો આ ખાતાઓમાં જમા થયેલ કુલ નાણાંની સ્થિતિ જોઈએ તો આ બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કુલ રૂ. ૧૮૭ લાખ કરોડની રકમમાંથી ૨૦.૮ ટકા જ મહિલાબા બેંક ખાતામાં છે. રિપોર્ટ અનુસાર માત્ર ૩૯ લાખ કરોડ રૂપિયા જ મહિલાઓના નામે જમા છે.

Exit mobile version