Site icon Shri Nutan Saurashtra

Olympics ના ખેલાડીઓનું આટલું ભવ્ય સ્વાગત કોઈ દેશમાં નહીં થયું હોય

Taiwanese,તા.14

તાઈવાન સરકારે પેરિસ ઓલિમ્પિકસ 2024થી પરત ફરેલા ખેલાડીઓનું એફ-16 ફાઈટર પ્લેન દ્વારા સ્વાગત કર્યું હતું. તાઇવાની આર્મીએ ત્રણ F-16 ફાઇટર પ્લેન દ્વારા ગોલ્ડ મેડલ વિજેતા લિન યુ-ટીંગ સહિત તેમના અન્ય એથ્લેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તાઈવાને પેરિસ ઓલિમ્પિકસમાં 2 ગોલ્ડ અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. તાઇવાન સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો અને ફોટા શેર કર્યા હતા. EVA એર ચાર્ટર ફ્લાઇટમાં તમામ એથ્લેટ્સ સવાર હતા. વીડિયોમાં ખેલાડીઓના વિમાન સાથે ફાઈટર પ્લેન પણ ઉડતા જોવા મળી રહ્યા હતા. આ ફાઈટર પ્લેન હવામાં આગની જ્વાળાઓ છોડતા પણ જોવા મળ્યા હતા.આ પ્રકારના વિશેષ સ્વાગત કરવાનો આદેશ તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે દ્વારા સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવ્યો હતો. તેણે પોતાના ખેલાડીઓના સારા પ્રદર્શનની ઉજવણી કરવાના નિર્દેશ આપ્યા હતા. તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટા શેર કર્યા છે અને જણાવ્યું હતું કે, ‘ઘરમાં તમારું સ્વાગત છે!

રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ તાઈવાનના ખેલાડીઓને તેમના ઘરે પરત ફરવા પર વીડિયો દ્વારા અભિનંદન પાઠવ્યા છે.’ એફ-16 ફાઇટર પ્લેને આવનારા એરક્રાફ્ટને સુરક્ષા પૂરી પાડી હતી અને એથ્લેટ્સનું સ્વાગત કરવા માટે ફ્લેર છોડ્યું હતું. તેમાં ગોલ્ડ મેડલ વિજેતા લિન યુ-ટિંગનો પણ સમાવેશ થાય છે.તાઈવાન ચાઈનીઝ તાઈપેઈ નામથી પેરિસ ઓલિમ્પિકસમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, જેમ લીને બોક્સિંગ ફાઇનલમાં 57 કિગ્રા વર્ગમાં પોલેન્ડની જુલિયા સેઝેરેમેટાને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફની જેમ લિનને પણ પેરિસ ઓલિમ્પિકસ દરમિયાન તેના જેન્ડરને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર તાઈવાન સરકારે તેનું મનોબળ વધારવા માટે તેનું સ્વાગત કર્યું હતું.

Exit mobile version