Site icon Shri Nutan Saurashtra

Rajkot માં પાયલોટિંગ સાથે દારૂ ભરીને નીકળેલી બોલેરો ઝડપાઈ

દારૂની 396 નાની-મોટી બોટલ મળી કુલ રૂ. 8.15 લાખનો મુદ્દામાલ કબ્જે

RAJKOT,તા.૧૩ 
જન્માષ્ટમી પર્વ પૂર્વે રાજકોટ શહેરમાં દારૂ ઘુસાડવા બુટલેગરો રઘવાયા થયાં હોય પણ પોલીસની સજાગતાને કારણે બુટલેગરોનો પ્રયાસ નાકામ બની રહ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. હજુ ગઈકાલે હલેન્ડા ગામની સીમમાંથી દારૂ ભરેલુ આઈસર ઝડપી ક્રાઇમ બ્રાન્ચે 2427 બોટલ કબ્જે કર્યા બાદ ભક્તિનગર પોલીસે પણ ફિલ્મી ઢબે બોલેરો કાર ઝડપી 396 બોટલ પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, પોલીસથી બચવા બોલેરો કારને પાયલોટિંગ આપવામાં આવી રહ્યું હતું. ભક્તિનગર પોલીસે પાયલોટિંગ કરનાર પાયલોટને પણ ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે, એક બોલેરો કાર દારૂની જથ્થો લઈને ગોંડલ ચોકડી તરફ જનાર છે અને બોલેરો કારની આગળ આગળ એક અન્ય કાર પાયલોટિંગ કરી રહી છે. ત્યારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાના નેતૃત્વમાં પીએસઆઈ એમ એન વસાવાની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. ત્યારે બાતમીના આધારે શંકાસ્પદ સ્વીફ્ટ કાર નંબર જીજે-14-એકે-0774ને અટકાવી ચાલકની પૂછપરછ કરવામાં આવતા તે પોતે જ પાયલોટિંગ કરતો હોય તેવી કેફીયત આપી હતી.
જે બાદ ભક્તિનગર પોલીસે પાછળથી આવી રહેલ બોલેરો કાર નંબર જીજે-04-બીઈ-5289ને અટકાવી ઝડતી કરતા બોલેરો કારમાથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 750 એમએલની 120 બોટલ તેમજ 180 એમએલની 376 બોટલ એમ કુલ 396 બોટલ કબ્જે કરવામાં આવી હતી.
પોલીસે સ્વીફ્ટ કાર અને બોલેરો કાર સહીત કુલ રૂ. 8,15,400નો મુદ્દામાલ કબ્જે કરી પાયલોટિંગ કર્તા પ્રશાંત પરબતભાઈ બવ(ભરવાડ) ઉ.વ.24 રહે રામવનની પાસે, રાજકોટ અને બોલેરો ચાલક સુરેશ રણછોડભાઈ ખાંભલા(રબારી) ઉ.વ.24 રહે રાતકડી, સાયલા, સુરેન્દ્રનગરવાળાની ધરપકડ કરી છે.
Exit mobile version