મકાનની આકારણી દાખલ કરવા માંગેલી લાંચના પહેલા હપ્તા પેટે રૂ. 2 લાખ લીધા
Bhuj,તા.૨૩
ભુજનું કુકમા ગામ ફરી લાંચના મામલે ચર્ચામાં આવ્યું છે. કુકમા ગામનો તલાટી અને વચેટીયો રૂ. 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે જયારે સરપંચ પુત્ર ફરાર થઇ જવા પામ્યો છે.
વર્ષ ૨૦૨૧માં સરપંચ સહિતના લોકો ૪ લાખની લાંચ લેતા પકડાયા બાદ સતત ગામમા આવી બાબતો સામે આવતી રહે છે. તાજેતરમાં જ કુકમાના ફાયર અધિકારીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે એ.સી.બી. એ ફરી એ જ ગામમા સફળ ટ્રેપ કરી છે. એક જાગૃત નાગરીકની ફરિયાદના આધારે વાઘસિંહ તેજસિંહ વાધેલા તલાટી કમ મંત્રી, કુકમા ગ્રામ પંચાયત, વર્ગ-૦૩, ઉત્તમ શિવલાલ રાઠોડ, સભ્ય-કુકમા ગ્રામ પંચાયત અને નિરવ વિજય પરમાર ધંધો.વેપાર, શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) વાળા વિરુદ્ધ લાંચ લેતા કાર્યવાહી કરવામાં આવી છે. તલાટી અને વચેટીયો ઝડપાઈ ગયાં છે જયારે સરપંચ પુત્ર ફરાર થઇ ગયો છે.
ફરીયાદીએ કુકમા સ્થિત મકાનની આકારણી દાખલ કરાવવા માટે તલાટી તથા પંચાયત સભ્યનો સંપર્ક કરેલો હતો. જેમાં ફીરયાદી પાસે આ કામ કરી આપવા માટે રૂ. 4 લાખની લાંચની માંગણી કરી હતી. જે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે રૂ. 2 લાખ આપવાનો વાયદો કરી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલ હતો. જેમાં તલાટી અને સભ્ય વતી લાંચની રકમ લેતા નિરવ પરમાર ઝડપાઈ ગયો હતો સાથે તલાટી વાઘસિંહ વાઘેલા પણ ઝડપાઈ ગયો હતો. એસીબીના અધિકારી એલ.એસ.ચૌધરીએ સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલની આગેવાનીમાં આ સફળ કામગીરી કરી હતી.
હાલ આ મામલે તલાટી તથા વચેટિયો ઝડપાઈ ગયા છે પરંતુ પંચાયત સભ્ય અને સરપંચ પુત્ર ઉત્તમ શિવલાલ રાઠોડ હજુ પકડમાં આવ્યો નથી. ત્યારે ખરેખર સભ્ય જ આ મામલે સામેલ છે કે પછી સરપંચની પણ સંડોવણી છે? અગાઉ સરપંચ વતી લાંચના મામલે પોલીસે સરપંચ સામે પણ કાર્યવાહી કરી હતી. ત્યારે આ મામલામાં સરપંચની સંડોવણી સામે આવે છે કે નહિ તે તપાસ બાદ સામે આવશે. હાલ સરપંચની ભૂમિકા અને કોઈ મહત્વની કડી મળી ન હોવાનુ સપાટી પર આવ્યું છે.