‘પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે’ Ukraine મુદ્દે કમલા હેરિસ ટ્રમ્પ પર વરસ્યાં

America,તા,11

અમેરિકાના ચર્ચિત હાઈ વોલ્ટેજ, તણાવપૂર્ણ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા થઈ. આ ચર્ચામાં આકરી ટિપ્પણીઓથી માહોલ એકદમ ગરમ રહ્યો. ચર્ચા દરમિયાન જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધની વાત આવી તો કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું કે પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.

ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદની દાવેદારીના જોખમ તરફ અવગત કરતાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે કહ્યું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો પુતિન યુક્રેનની રાજધાની કીવમાં નજર આવતાં. કમલાએ કહ્યું, ‘પુતિનના દબાણ હેઠળ ટ્રમ્પ ઝૂકે જશે.’ કમલાએ આગળ કહ્યું, ‘આ પોલેન્ડથી શરૂ થશે અને પુતિન યુરોપના બાકી ભાગો પર નજર રાખશે, તમે તેમના દ્વારા મળેલા ફેવર હેઠળ ઝડપથી હાર માની લેશો. તમે આને મિત્રતા સમજો છો પરંતુ પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.’

ચર્ચા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘શું તેઓ ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ જીતે?’ તો ટ્રમ્પે કહ્યું કે હું ઈચ્છું છું કે આ યુદ્ધ રોકાઈ જાય. ‘હું સમજું છું કે અમેરિકા માટે સૌથી શ્રેષ્ઠ એ હશે કે આ લડત રોકાઈ જાય. ‘ટ્રમ્પે દાવો કર્યો કે આ યુદ્ધમાં યુરોપને અમેરિકાની તુલનામાં ખૂબ ઓછી કિંમત ચૂકવવી પડી રહી છે. હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેને ખૂબ સારી રીતે જાણું છું. ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીકા કરતાં તેમને એક ગેરહાજર રાષ્ટ્રાધ્યક્ષ કહ્યાં. આની પર કમલાએ તાત્કાલિક પલટવાર કર્યો અને કહ્યું, ‘તમે બાઈડન વિરુદ્ધ લડી રહ્યાં નથી, તમે મારા વિરુદ્ધ લડી રહ્યાં છો.’

યુક્રેન યુદ્ધના સવાલ પર કમલા હેરિસે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે તેમના મજબૂત સંબંધ છે. હેરિસે આરોપ લગાવ્યો કે જ્યારે પુતિન સાથે સંવાદનો વારો આવે છે તો ટ્રમ્પનો વ્યવહાર તુષ્ટિકરણ જેવો હોય છે. હેરિસે કહ્યું, ‘જો ટ્રમ્પ અત્યારે સત્તામાં હોત તો ‘પુતિન કીવમાં બેસીને પોલેન્ડથી શરૂ કરતાં અને બાકી યુરોપ પર નજર રાખતાં.’ કમલાએ એ વાત પર જોર આપ્યું કે ટ્રમ્પ કેટલી ઝડપથી પુતિનની સામે ઝૂકી જશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પહેલી વખત ડિબેટ થઈ છે. આ ચર્ચામાં ઇકોનોમી, ઇમિગ્રેશન પોલિસી, ફોરેન પોલિસી, એબોર્શન, હેલ્થ કેર અને અન્ય વિષયોને ઉઠાવવામાં આવ્યા.

Leave a Comment