Jodiya નજીક બાવળની ઝાડીમાંથી 5.859 કિલો ચરસ સાથે ત્રણ ઝડપાયા

માદક પદાર્થનું વેચાણ કરવામાં આવે તે પૂર્વે જ જામનગર એસઓજી ટીમ ત્રાટકી

Jamnagar,તા,03
જામનગર જિલ્લાનાં જોડીયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. હજુ પાંચ દિવસ પૂર્વે જોડિયાથી 500 ગ્રામ ચરસ ઝડપાયા બાદ વધુ એકવાર અફઘાની ચરસનો પાંચ કિલો ૮૫૯ ગ્રામનાં જથ્થા સાથે જામનગરની  એસઓજી પોલીસ ટીમે જોડીયાનાં ત્રણ  શખ્સોને ઝડપી લીધા છે. ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે “નો ડ્રગ ઈન જામનગર ” અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પીએસઆઈ એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફ ન  ખાનગી બાતમી મળેલ હતી કે,  ફરીદ બસીરભાઈ ખોડ ,અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા રહે. બધા જોડીયા  જી.જામનગર ) વાળાઓ દરીયામાં કરચલા પકડવા ગયેલ હતા અને ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલ છે. આ જથ્થો તેમણે દરીયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલ છે.
આ ત્રણેય શખ્સો ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયામાં ભેગા મળી સગેવગે કરવાની ફિરાકમાં છે. તેવી હકિકત આધારે જોડીયા ગામના બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સોને  ગેરકાયદે માદક પદાર્થ ચરસ ૫ કિલો ૮૫૯ ગ્રામ કિમત રૂ.૮,૭૮,૮૫૦ તથા મોબાઈલ ફોન નંગ-૩ કુલ કિંમત ૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૯,૦૮,૮૫૦ સાથે ઝડપાયેલ છે.

Leave a Comment