Passenger Vehicl ની ઈન્વેન્ટરી ચિંતાજનક સ્તરે

Mumbai,તા.06

ઓટો ડિલરો પાસે નહીં વેચાયેલા  પેસેન્જર વાહનોની સંખ્યા ૭.૮૦ લાખ પર પહોંચી ગઈ છે જેનું કુલ મૂલ્ય રૂપિયા ૭૭૮૦૦ કરોડ જેટલું થવા જાય છે અને આ ઈન્વેન્ટરી ૭૦-૭૫ દિવસ જેટલી જંગી હોવાનું માનવામાં આવે છે. વધુ પડતી ઈન્વેન્ટરી સાથેના ડીલરોને ફન્ડિંગમાં સાવચેતી ધરાવવા ફાડાએ બેન્કો સહિત નાણાં સંસ્થાઓને સૂચન કર્યું છે.

વધુ પડતા વરસાદ અને માલભરાવાને પરિણામે સમાપ્ત થયેલા ઓગસ્ટમાં દેશમાં ઊતારૂ વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૪.૫૦ ટકા ઘટાડો નોંધાયો હતો એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. વધુ પડતા વરસાદને કારણે વાહન ખરીદીમાં રસ ઓછો જોવા મળ્યો હતો. વાહનોનું એકંદર વેચાણ ઓગસ્ટમાં ૨.૮૮ ટકા જેટલું વધ્યું છે.

૨૦૨૩ના ઓગસ્ટમાં ૩૨૩૭૨૦ ઊતારૂ વાહનોની સરખામણીએ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ઊતારૂ વાહનોનું વેચાણ ૩૦૯૦૫૩ રહ્યું હતું.

જુલાઈની સરખામણીએ વેચાણમાં ૪.૪૫ ટકા ઘટાડો નોંધાયો છે. માત્ર ઊતારૂ વાહનો જ નહીં પરંતુ ટ્રેકટર તથા કમર્સિઅલ વાહનના વેચાણમાં પણ અનુક્રમે ૧૧.૪૦ ટકા અને ૬ ટકા ઘટાડો નોંધાયો છે. વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ સારુ રહ્યું હોવા છતાં ટ્રેકટરના વેચાણમાં ઘટાડો ચિંતાજનક રહ્યો છે.

જો કે ટુ વ્હીલર તથા થ્રી વ્હીલરના વેચાણમાં અનુક્રમે ૬.૩૦ ટકા અને ૧.૬૦ ટકા વધારો થયો છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં વાહનોનું એકંદર રિટેલ વેચાણ  ૨.૮૮ ટકા જેટલું ઊંચુ રહ્યું છે.

વધુ પડતા વરસાદે ગ્રામ્ય માગ પર અસર કરી છે. ટુ વ્હીલર્સના ગ્રામ્ય વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું.

ઓગસ્ટમાં દેશમાં ૧૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે જેને કારણે પાકપાણી પર અસર થવાનું જોખમ ઊભું થયું છે. વધુ પડતા વરસાદથી દેશના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે.

તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં, ગ્રાહકો દ્વારા ખરીદીમાં ઢીલ  તથા  વધુ પડતા વરસાદે ઓટો ઉદ્યોગની ચિંતા વધારી દીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ઈન્વેન્ટરીનું સ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી  ગયું છે. સ્થિતિને પ્રતિસાદ આપવાને બદલે ઓટો ઉત્પાદકો ડીલરોને ઊતારૂ વાહનોની ડિલિવરી સતત ચાલુ રાખી રહ્યા છે જેનાથી ડીલરો ખાતે સ્થિતિ વધુ વણસતી જાય છે, એમ સિંઘાનિયાએ દાવો કર્યો હતો.

Leave a Comment