ભારતીય ખેલાડીએ પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં કરી મોટી ભૂલ, ICCએ લગાવી ફટકાર

Mumbai,તા.08

ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય ઝડપી બોલર અરુંધતી રેડ્ડીને ઠપકો આપવામાં આવ્યો છે. રેડ્ડીને ICC આચાર સંહિતાના લેવલ 1 માટે દોષિત ઠેરવી છે. રેડ્ડીએ પોતાની ભૂલ સ્વીકારી અને અમીરાત ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના શાન્દ્રે ફ્રિટ્ઝ દ્વારા પ્રસ્તાવિત મંજૂરીને સ્વીકારી લીધી હતી. જેને કારણે ઔપચારિક સુનાવણીની જરૂર ન હતી.અરુંધતિ રેડ્ડીને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની ICC આચાર સંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. આ કલમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટર આઉટ થાય ત્યારે અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવ કે આક્રમક પ્રતિક્રિયાનો ઉપયોગ કરવાને સંબંધિત છે.

આ સમગ્ર ઘટના પાકિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં બની હતી. જ્યારે રેડ્ડીએ નિદા ડારને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ ઈશારો કર્યો હતો. આ સિવાય રેડ્ડીના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. કારણ કે 24 મહિનાના સમયગાળામાં આ તેની પહેલી ભૂલ હતી.

લેવલ 1ના ઉલ્લંઘન માટે ન્યૂનતમ દંડ સત્તાવાર ઠપકો, અને મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને 1 અથવા 2 ડિમેરિટ પોઈન્ટ છે. પાકિસ્તાન સામેની મેચમાં રેડ્ડીએ માત્ર 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

Leave a Comment