FY24માં રૂ. 2 લાખ કરોડની GST ચોરી, એક વર્ષમાં રકમ બમણી થઈ

Mumbai,તા.17

જીએસટી તપાસ શાખા, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૦૧ લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. કુલ જીએસટી સંબંધિત ૬૦૮૪ કેસ શોધીને આ ચોરી પકડી છે. આ રકમ ૨૦૨૨-૨૩ દરમિયાન ૪૮૭૨ કેસમાં મળી આવેલ રૂ. ૧.૦૧ લાખ કરોડની જીએસટી ચોરી કરતાં બમણી છે. જો આપણે આમાં સેન્ટ્રલ જીએસટી ઝોન દ્વારા કબજે કરેલી રકમ ઉમેરીએ તો આ આંકડો ૨.૩૭ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે.

આ સિવાય નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૬,૬૦૫ કરોડનો સ્વૈચ્છિક ટેક્સ ચૂકવવામાં આવ્યો હતો. ૨૦૨૨-૨૩માં આ આંકડો ૨૦,૭૧૩ કરોડ રૂપિયા હતો. ડીજીજીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ કરચોરીના લગભગ ૪૬ ટકા કેસ ટેક્સની ચૂકવણી ન કરવા (ગુપ્ત સપ્લાય અને ઓછા વેલ્યુએશન) સંબંધિત છે. આ સિવાય, ૨૦ ટકા કેસો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) સંબંધિત છે અને ૧૯ ટકા કેસ આઈટીસીના દુરુપયોગ/નોન-રિવર્સલ સાથે સંબંધિત છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં સૌથી વધુ ટેક્સચોરી પકડાઈ છે. આ સેક્ટરના ૭૮ કેસોમાં ૮૧,૮૭૫ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ચોપડે ચઢી છે. ત્યારબાદ બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ૧૭૧ કેસમાં રૂ. ૧૮,૯૬૧ કરોડની કરચોરી મળી આવી હતી. વર્ક કોન્ટ્રાક્ટ સર્વિસિસમાં ૩૪૩ કેસમાં રૂ. ૨૮૪૬ કરોડ અને ફાર્મા સેક્ટરમાં ૨૨ કેસોમાં રૂ. ૪૦ કરોડની કરચોરી મળી આવી હતી.

આયર્ન, કોપર, સ્ક્રેપ અને એલોય સેક્ટરમાં જીએસટી ચોરીના ૧૯૭૬ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા, જેના પરિણામે રૂ. ૧૬,૮૦૬ કરોડની કરચોરી થઈ હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં મુંબઈમાં કુલ રૂ. ૭૦,૯૮૫ કરોડની જીએસટી ચોરી સાથે દેશમાં સૌથી વધુ ટેક્સ ઈવાઝનમાં મોખરે છે. આ પછી દિલ્હીમાં રૂ. ૧૮,૩૧૩ કરોડ, પુણેમાં ૧૭,૩૨૮ કરોડ, ગુરુગ્રામમાં ૧૫,૫૦૨ કરોડ રૂપિયા અને હૈદરાબાદમાં ૧૧,૦૮૧ કરોડ રૂપિયાની ચોરી પકડાઈ છે.

Leave a Comment