Site icon Shri Nutan Saurashtra

Maharashtra વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો

Maharashtra,તા.20 

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગતિવિધિઓ સક્રિય બની છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ પક્ષ-પલટાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. મુંબઈના ભાજપ નેતા રવિ લાંડગે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના (યુબીટી)માં સામેલ થવાના છે. રવિ લાંડગેએ પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપી છે કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેનો સ્થાપિત પક્ષ છે, જે હંમેશા અન્યાય વિરૂદ્ધ ઉભી રહે છે અને ગરીબોના હક માટે ઉભી રહે છે.

રવિ લાંડગેએ વધુમાં કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ આ વિચારોના આધારે શિવસૈનિક પસંદ કર્યા હતા. અને તે શિવસૈનિકો આજે પણ તે વિચારો સાથે ઉભા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે છેતરપિંડી થઈ, ત્યારે ધારાસભ્યો પણ છેતર્યા હતા. તેમ છતાં તેમનો પક્ષ લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. શિવસેના એક એવો પક્ષ છે જે એક વિચારધારાને અનુસરે છે અને તેમના કાર્યકર્તાઓ તેને સમર્પિત છે. શિવસેના એકમાત્ર એવો પક્ષ છે જે અમારા માટે યોગ્ય છે, તેથી મે શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

કોણ છે રવિ લાંડગે?

રવિ લાંડગે પિંપરી-ચિંચવડ શહેરમાં ભાજપના ભૂતપૂર્વ શહેર પ્રમુખ સ્વ.અંકુશરાવ લાંડગેના ભત્રીજા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ વિપક્ષી નેતા સ્વર્ગસ્થ બાબાસાહેબ લાંડગેના પુત્ર છે. તેઓ આજે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાશે. કોંગ્રેસ-રાષ્ટ્રવાદી પક્ષનું પ્રભુત્વ ધરાવતા પિંપરી-ચિંચવડમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સ્વ.અંકુશરાવ લાંડગેએ ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો. તેઓ ભાજપમાંથી બે વખત કાઉન્સિલર ચૂંટાયા હતા. રવિ લાંડગે પરિવારના રાજકીય અનુગામી તરીકે ઉભરી આવ્યા હતા. રવિ લાંડગે 2017ની મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. રવિ લાંડગે અને તેમનો પરિવાર પિંપરી-ચિંચવડના રાજકારણમાં ભાજપના સૌથી જૂના વફાદાર તરીકે ઓળખાય છે.

Exit mobile version