Rajkot,તા,11
સમયની માંગ અને વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ધીમે-ધીમે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઈલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે તે પ્રશ્ન લોકોને મૂંજવી રહ્યો છે. અવાર નવાર ઈલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટના સમાચાર વાંચવા મળે છે. ત્યારે રાજકોટથી ઈલેક્ટ્રિક સ્કૂટર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ચાર્જિંગમાં મૂકેલું સ્કૂટર અચાનક બ્લાસ્ટ થયું હતું. જેના ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી
મળતી માહિતી અનુસાર, રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કની ઘટના છે, જ્યાં રાત્રે 12 વાગ્યા આસપાસ ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આઠ મહિના પહેલા ઈલેક્ટ્રીક બાઇક ખરીદવામાં આવ્યું હતું. જેને ચાર્જિંગ પર મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. સાથે જ ઘરનું તમામ વાયરીંગ પણ બળી ગયું છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.ઉલ્લેખનીય છે અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી બ્લાસ્ટ થઈ હતી. આ ઘટનામાં એક યુવતિનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.