હિના ખાનને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે સઘન સારવાર હેઠળ
Mumbai, તા.૯
હિના ખાનને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે સઘન સારવાર હેઠળ છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાની કેન્સર સામેની લડતની અપડેટ શેર કરતી રહે છે. હિનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યુ હતું કે, સરખી રીતે જમી શકતી પણ નથી. ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ નેગેટિવ થવા માટેનું તે કારણ નથી. મેં સતત હસતા રહીને જાતને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. હું મારી જાતને કહેતી રહું છું કે, આ બધું પૂરું થશે અને આમાંથી સલામત રીતે બહાર આવીશ. હિનાએ ગત સપ્તાહે માતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. કેક અને કેન્ડલ મૂકી ટેબલને શણગારવામાં આવ્યું હતું. હિના અને તેની માતાએ એકબીજાને સ્વસ્થ રહેવા શુભેચ્છા આપી હતી. પાછલા મહિને હિનાએ લાંબા સમય બાદ જાહેરમાં દેખા દીધી હતી અને ચોકલેટ્સ ખરીદી હતી. હિનાએ પોતાના આ એન્જોયમેન્ટના ફોટોગ્રાફ્સ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હિનાએ પહેલી વખત કીમોથેરાપી લીધી ત્યારે પણ વીડિયો શેર કર્યો હતો. વીડિયોની શરૂઆતમાં હિનાએ પોતાનો રેડ કાર્પેટ પર એવોર્ડ સ્વીકારતો ફોટોગ્રાફ મૂક્યો હતો. બાદમાં કીમોથેરાપી સેશનનો ફોટોગ્રાફ હતો. તમામ ગ્લેમર જતું રહ્યું હોવાનું હિનાએ કેપ્શનમાં જણાવ્યુ હતું. ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના રોલથી હિનાને લોકપ્રિયતા મળી હતી. તેણે ખતરોં કે ખિલાડી અને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. કસૌટી જિંદગી કી, નાગિન ૫ જેવી સિરિયલ અને હેક્ડ, સ્માર્ટફોન જેવી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે. વેબ સિરીઝમાં તેને ડેમેજ્ડ ૨ માટે ઓળખવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સરમાંથી સાજા થયા બાદ હિના ફરી એક્ટિંગ કરવા માગે છે. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે સોશિયલ મીડિયાથી લાખો લોકો સાથે કનેક્ટ રહેવાની સાથે હિના ખાન અન્યોને પણ પ્રોત્સાહન આપી રહી છે.