stock market માં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે, સૌથી વધુ ભારતની વાણિજ્યક રાજધાનીમાં

Mumbai,તા,10

શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંખ્યા વિક્રમી સ્તરે વધી છે. કોરોના કાળ પછી તો તેજી પર તેજીના કારણે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરવા પ્રવેશી રહ્યા છે. બીએસઈના આંકડાઓ અનુસાર, દેશમાં હાલ 19.39 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે. જેમાં ગુજરાત 1.80 કરોડ રોકાણકારો સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે સૌથી વધુ 3.55 કરોડ રોકાણકારો સાથે મહારાષ્ટ્ર અગ્રેસર છે, જ્યારે ઉત્તરપ્રદેશ 2.16 કરોડ રોકાણકારો સાથે બીજા ક્રમે છે.

શેરબજારની તેજીએ રોકાણ વધ્યું

છેલ્લા એક વર્ષમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા દેશમાં 33.37 ટકા વધી છે. ઈક્વિટી બજાર પ્રત્યે સૌથી ઓછી રૂચિ ધરાવતું રાજ્ય લદ્દાખ છે. લદ્દાખમાં 2225 રોકાણકારો રજિસ્ટર્ડ છે. રોકાણકારોની સંખ્યામાં આકર્ષક વૃદ્ધિ પાછળનું કારણ શેરબજારની તેજી અને આઈપીઓમાં મળતુ રિટર્ન છે. છેલ્લા બે વર્ષથી મેઈન બોર્ડ ઉપરાંત એસએમઈ આઈપીઓ પણ આકર્ષક રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી રહ્યા છે.

રાજ્યવાર રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા કરોડમાં

રાજ્ય ઈન્વેસ્ટર્સની સંખ્યા
મહારાષ્ટ્ર 3.55
ઉત્તર પ્રદેશ 2.16
ગુજરાત 1.8
રાજસ્થાન 1.17
પશ્ચિમ બંગાળ 1.1
કર્ણાટક 1.03
મધ્યપ્રદેશ 1.01
તમિલનાડુ 0.93
દિલ્હી 0.87
બિહાર 0.79
આંધ્રપ્રદેશ 0.73
હરિયાણા 0.65
તેલંગાણા 0.56
પંજાબ 0.48
ઓરિસ્સા 0.43
આસામ 0.41
કેરળ 0.43
ઝારખંડ 0.33
છત્તીસગઢ 0.22
ઉત્તરાખંડ 0.19
હિમાચલ પ્રદેશ 0.11
જમ્મુ-કાશ્મીર 0.97

અન્ય રાજ્યોમાંથી પણ રોકાણ પ્રવાહ વધ્યું

1961 પહેલાંનો એક એવો સમય હતો જ્યારે ગુજરાત અને મુંબઈ શેરબજારમાં સૌથી વધુ રોકાણકારો ધરાવતા પ્રદેશમાં હતા. બાકીના રાજ્યોમાં ખેતીપ્રધાન વ્યવસાય હોવાથી શેરબજારમાં રોકાણનો રસ ધરાવતા ન હતા. પરંતુ નાણાકીય બજાર અંગે સાક્ષરતા વધતાં વધુને વધુ ખાસ કરીને યુવાનો ઈક્વિટી બજાર તરફ આકર્ષાયા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી રોકાણકારો ઈક્વિટી માર્કેટમાં પ્રવેશી રહ્યા છે.

રોકાણકારોની સંખ્યા બમણી થઈ

વૈશ્વિક સ્તરે ફાઈનાન્સિયલ ઈન્ફોગ્રાફિક્સ માટે જાણીતી ફિનસ્ટોક્સ દ્વારા જાહેર કરાયેલા ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રોકાણકારોની સંસ્થા હાલ બમણી થઈ છે. દિલ્હી રાજ્યમાં 86 લાખ રોકાણકારો નોંધાયા છે. તો વળી દાદરા-નગર હવેલી જેવા નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશમાં 77 હજાર રોકાણકારો છે.

ચોથાક્રમે રાજસ્થાન અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ આવે છે. છત્તીસગઢ અને ઝારખંડ જેવા પછાત ગણાતા રાજ્યોમાં પણ ક્રમશઃ 22 લાખ અને 33 લાખ રોકાણકારો નોંધાયા છે. જે દર્શાવે છે કે ધીમે ધીમે સામાન્ય પ્રજાના માનસમાં સ્ટોક એકચેંજની જાગૃતિ વધી છે. અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ 39 હજાર જેટલાં રોકાણકારો છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી 9.7 લાખ લોકો નિયમિત બીએસઈમાં રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ છે.

Leave a Comment