Wankaner, તા.30
વાંકાનેર નજીક બાઉન્ટ્રી પાસેથી આઈસરના ચોરખાનામાંથી રૂા.ત્રણ લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડી પાડી કુલ રૂા.12.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ટ્રી સુધી દારૂ અને બીયરનો જથ્થો ચોર ખાનામાં છુપાવી પહોંચી ગયેલા આઈસર ચાલકને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 625 બોટલ તેમજ બીયર ટીન નંગ 48 કુલ મળી 2,72,510ના દારૂ બીયર સહિત કુલ રૂપિયા 12,77,510ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આઈસર ગાડી નંબર જીજે 23 એટી 3603 વાળી રાજકોટ તરફ આવી રહી છે. આ આઈસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ હોવાનું અને આઈસર ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ટ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ આઈસર ગાડી નીકળતા આઈસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ (ઉ.42) ધંધો ડ્રાઈવીંગ રહે.કાનોડા તા.જી. બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પૂછપરછ કરતા આઈસરમાંથી દારૂ બીયરનો જથ્થો કાઢી આપ્યો હતો.
વધુમાં પોલીસની પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઈવે વાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમાં રાજુસીંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રોયલ સ્ટગ વ્હીસ્કીની 159 બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ 138, રોક વ્હીસ્કીની 283 બોટલ, રીઝર્વ 7 રેર વ્હીસ્કીની 9 બોટલ, બ્લેન્ડર પ્રાઈડ વ્હીસકીની 36 બોટલ, કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નંગ 48 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂા.12,77,510નો મુદામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.