Site icon Shri Nutan Saurashtra

China થી ફિનિશ્ડ સ્ટીલની આયાત 7 વર્ષની ટોચે

Mumbai,તા.24

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ પાંચ મહિનામાં ચીનમાંથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ૩૧.૭ ટકા વધીને ૧.૧ મિલિયન ટને સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. માત્ર ચીન જ નહિ, ભારતની એકંદરે ફિનિશ્ડ સ્ટીલની આયાત પણ આ વર્ષના એપ્રિલ-ઓગસ્ટ સમયગાળામાં ૩.૭ મિલિયન મેટ્રિક ટનની છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક દેશ ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોટિવ સેક્ટરની મજબૂત માંગના જોરે સ્ટીલનો વધુ ઝડપી ઉપયોગ કરી રહ્યો છે.

ભારત માટે સૌથી મોટા નિકાસકારોમાં ચીન પ્રથમ ક્રમે રહ્યાં બાદ દક્ષિણ કોરિયા અને જાપાન, મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ, હોટ-રોલ્ડ કોઇલ સ્ટીલ, ગેલ્વેનાઈઝ્ડ શીટ્સ અને પ્લેટ્સના શિપિંગમાં અગ્રેસર હતા. ડેટા અનુસાર એપ્રિલ-ઓગસ્ટના સમયગાળા દરમિયાન પાંચમા સૌથી મોટા નિકાસકાર દેશ, રશિયામાંથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત પણ વાર્ષિક બમણી થઈને ૫૪,૦૦૦ ટનની છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે.

ભારતના સ્ટીલ મંત્રાલયે અહેવાલમાં નોંધ્યું છે કે ઓગસ્ટમાં સ્થાનિક સ્ટીલના ભાવમાં ઘટાડો થયો છે. એપ્રિલ-ઓગસ્ટ માટે સ્થાનિક માંગ પણ મજબૂત રહી હતી અને ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ વાર્ષિક ૧૩.૮ ટકાના વધારા સાથે સાત વર્ષની ટોચે ૬૦.૩ મિલિયન મેટ્રિક ટન પર પહોંચ્યો છે. જોકે ભારત માટેની વિદેશી માંગ નબળી રહી છે અને ફિનિશ્ડ સ્ટીલની નિકાસ વાર્ષિક ૪૦ ટકા આસપાસ ઘટીને ૧.૯ મિલિયન ટન પર સાત વર્ષના તળિયે પહોંચી છે.ભારતમાંથી સૌથી વધુ ઇટાલીએ લગભગ ૩૬૦,૦૦૦ ટનની આયાત કરી છે, જે વાષક ૪૮.૩ ટકા ઓછી છે. આ સમયગાળા દરમિયાન ભારતનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૬૦.૯ મિલિયન ટન હતું, જે એક વર્ષ અગાઉની તુલનામાં ૪.૨ ટકા વધુ હતું.

સસ્તી આયાતમાં વધારો, નિકાસની મર્યાદિત તકો, માંગમાં મોસમી નબળાઈ અને ચીન જેવા સરપ્લસ ઉત્પાદક દેશોમાંથી અયોગ્ય ડમ્પિંગ વચ્ચે ભારતીય સ્ટીલ કંપનીઓ પડકારોનો સામનો કરી રહી છે. સ્ટીલ મંત્રાલય ભારતીય કંપનીઓની ફરિયાદોના જવાબમાં આયાત સામેના વિવિધ વેપાર પગલાં- ડયૂટી વધારો, પ્રતિબંધ વગેરે અંગે ચર્ચા કરી રહ્યું છે.

ફ્લેટ સ્ટીલમાં બેંચમાર્ક, હોટ-રોલ્ડ કોઇલના ભાવ રૂ. ૧૦૦૦ના ઘટાડા સાથે એક વર્ષના તળિયે રૂ. ૪૭,૦૦૦ થી ૫૧,૦૦૦ આસપાસ છે. લોંગ સ્ટીલમાં બ્લાસ્ટ ફર્નેસ-રીબારના ભાવ ઓગસ્ટમાં રૂ. ૪૯,૫૦૦એ ત્રણ વર્ષના નીચલા સ્તરે છે.

વિશ્લેષકોના મતે નબળી વૈશ્વિક માંગના માહોલમાં ભારત ૧૩-૧૪ ટકાના વૃદ્ધિદર સાથે એક આકર્ષક સ્થળ છે પરંતુ સરપ્લસ ઉત્પાદન ધરાવતા દેશો માટે ડમ્પિંગ સાઈટ બન્યું છે. આપણી આયાત ઝડપથી વધી છે, પરંતુ વિવિધ દેશોના નિયંત્રણોને કારણે નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ફિનિશ્ડ સ્ટીલની આયાત વાષક ધોરણે ૨૪ ટકા વધી, જ્યારે નિકાસ ૪૦ ટકા ઘટી છે.

Exit mobile version