Site icon Shri Nutan Saurashtra

Dharmendra ને દાદાસાહેબ ફાળકે સન્માન નહીં મળતાં Hema Malini નારાજ

ધર્મેન્દ્ર કરતાં મિથુન તો બહુ જુનિયર છે 

 હેમાએ મિથુનને અભિનંદન પાઠવ્યાં પણ ધર્મેન્દ્ર વંચિત હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું

Mumbai,તા.05

ધર્મેન્દ્રને હજુ સુધી દાદા સાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમની પત્ની તથા ભાજપની સાંસદ હેમા માલિનીએ દુઃખ વ્યક્ત કર્યું છે. હેમાએ કહ્યું છે કે ધર્મેન્દ્રને અત્યાર સુધીમાં તો આ સન્માન મળી જવું જોઈતું હતું. ધર્મેન્દ્ર આ સન્માન માટે સંપૂર્ણ હક્કદાર છે. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે સન્માનથી નવાજવાની જાહેરાત કરી છે. મિથુન ધર્મેન્દ્રની સરખામણીએ ક્યાંય જુનિયર છે. આ ઉપરાંત સરખામણીની રીતે ધર્મેન્દ્રએ મિથુન કરતાં વધારે સફળ અને વધારે રેન્જ ધરાવતી ફિલ્મો આપી છે. જોકે, હેમાએ મિથુન ચક્રવર્તીને આ સન્માન મળ્યું તે અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી અને મિથુનને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

ધર્મેન્દ્રના ચાહકોએ સદા વસવસો વ્યક્ત કર્યો છે કે ધર્મેન્દ્રને આજીવન એ સન્માન નથી મળ્યું જેનો તે હક્કદાર છે. ભૂતકાળમાં ધર્મેન્દ્ર એકથી વધુ વાર ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયો હતો પરંતુ તેને ક્યારેય એ એવોર્ડ મળ્યો ન હતો. આખરે જ્યારે ધર્મેન્દ્રને ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો ત્યારે તે એવોર્ડ સ્વીકારતી વખતે ધર્મેન્દ્રએ પોતાને બેસ્ટ એક્ટર તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ ક્યારેય ન મળ્યો તે વાતનું બહુ દુઃખ વ્યક્ત કર્યું હતું.

૮૮ વર્ષની વયે હજુ પણ ધર્મેન્દ્ર ફિલ્મોમાં  સક્રિય છે અને નાના મોટા રોલમાં દેખા દે છે.

Exit mobile version