હિના કહેવા માગે છે કે તેની સારવાર ચાલતી હોય તેનો મતલબ એવો નથી કે હું હંમેશા દવાખાનામાં જ હોઉં છું
Mumbai, તા.૧૭
હિના ખાન હાલ ત્રીજા સ્ટેજના કેન્સર સામે લડી રહી છે, પરંતુ તે પોતાનો કામ કરવાનો ઉત્સાહ ઓસરવા દેતી નથી. એક તરફ તેની સારવાર આગળ વધી રહી છે અને બીજી તરફ તે એક પછી એક કામ હાથ પર લઈ રહી છે. તેણે કહ્યું કે આ બીમારીને પણ સહજતાથી લેવાની જરૂર છે. હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે તે કઈ રીતે કામ કરે છે, તેની ટીમ કઈ રીતે તેના ઘાવ છૂપાવે છે અને તે વિગ પહેરે છે તે અંગે વાત કરી હતી. તેણે લખ્યું,“શો મસ્ટ ગો ઓન.” હિનાએ વીડિયો સાથે લખ્યું,“મારા નિદાન પછીનું મારું પહેલું કામ પચાલતાં ચાલતાં બોલવું અઘરું પડે છે, ખાસ કરીને જ્યારે તમે જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરતાં હોય ત્યારે. તો તમારી જાતને ખરાબ દિવસ હોય ત્યારે વિરામ આપો, એટલું ચાલે.તમારો અધિકાર છે. પરંતુ જ્યારે સારા દિવસો હોય ત્યારે તમારા જીવનની મજા માણવાનું ભૂલશો નહીં. પછી એ ભલે ગમે તેટલાં ઓછાં હોય. છતાં આ દિવસો તમારા માટે મહત્વના છે. આ પરિવર્તનને સ્વીકારી લો, તેનું માન રાખો અને તેને સહજતાથી લો.” એક લાંબી નોટમાં તેણે લખ્યું,“હું સારા દિવસોની રાહ જોતી રહું છું. કારણ કે હું મને જે ગમે તે કરી શકું છું – કામ. મને મારું કામ બહુ ગમે છે. હું કામ કરું ત્યારે હું મારાં સપનાં સાચાં કરું છું. એ જ મારા માટે સૌથી મોટું મોટિવેશન છે. મારે કામ કરતાં રહેવું છે. ઘણા લોકો સારવાર દરમિયાન કોઈ પણ તકલીફ વિના કામ કરતાં હોય છે, હું તેમનાથી બિલકુલ અલગ નથી. હું આ મહિને આવા કેટલાંક લોકોને મળી છું, અને તમે નહીં માનો પણ તેનાથી મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.” હિના કહેવા માગે છે કે તેની સારવાર ચાલતી હોય તેનો મતલબ એવો નથી કે હું હંમેશા દવાખાનામાં જ હોઉં છું. તેણે નોટના અંતે લખ્યું, “તમારી જાણ માટે, મારી સારવાર ચાલે છે પણ હું હંમેશા હોસ્પિટલમાં હોતી નથી. તેથી તમને બધાને કહેવા માગું છું કે, ચાલો કામ કરવાની બાબતને સામાન્ય ગણીએ અને તમારામાં જો શક્તિ અને ઊર્જા હોય તો તમને ખુશી મળે એવું બધું જ કરો. અને તમે બધાં સુંદર લોકો જે આ બીમારી સામે લડી રહ્યાં છો, યાદ રાખો, આ તમારી સ્ટોરી છે, આ તમારી લાઇફ છે.”