Rajkotની ભાગોળે એસએમસી અને આજીડેમ પોલીસ ત્રાટકે તે પૂર્વે ડીસીબીએ દારૂ ઝડપ્યો

ક્રાઇમ બ્રાન્ચને જોઈ ભાગવા જતાં આઈસર હલેન્ડા ગામે  કદાવમાં ફસાયું : આશરે 65 પેટી દારૂનો જથ્થો કબ્જે

RAJKOT,તા.૧૨
રાજકોટ શહેરની ભાગોળે આવેલા હલેન્ડા ગામની સીમમાંથી ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે એક દારૂ ભરેલું આઈસર ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચને જોઈ ભાગવા જતાં આઈસર કાદવમાં ફસાઈ જતાં ક્રાઇમ બ્રાન્ચે ચાલકની અટકાયત કરી અંદાજિત 65 પેટી જેટલો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો દારૂ ભરેલ આઈસર સ્ટેટ મોનીટરીંગ સેલ અને આજીડેમ પોલીસ એમ બંનેની રડારમાં હતું પણ મહત્વની શાખા અને સ્થાનિક પોલીસ ત્રાટકે ટે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરી નાખી હતી. જો કે, પાછળથી આજીડેમ પોલીસ અને એસએમસી બંને ઘટનાસ્થળે પહોંચી હતી.
રાજકોટ શહેરની ભાગોળે આવેલા હલેન્ડા ગામની સીમમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફિલ્મી ઢબે આઇસરનો પીછો કરી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના અંદાજિત 12 વાગ્યા આસપાસ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, હલેન્ડા ગામની સીમમાં ધવલ પોપટ સાવલિયાની વાડી નજીક દારૂ ભરેલો ટ્રક પસાર થનાર છે.  ત્યારે બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વનરાજસિંહ ડોડીયાની ટીમ હલેન્ડા ગામ ખાતે પહોંચી વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી વાળુ આઇસર ધ્યાને આવતા ક્રાઈમ બ્રાન્ચે આઇસરને પકડવા તજવીજ હાથ ધરતા આઇસર ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક દોડાવતા ક્રાઈમ બ્રાન્ચે તેનો પીછો શરૂ કર્યો હતો.
ફિલ્મી ઢબે પીછો કરતી વેળાએ હલેન્ડા ગામની સીમમાં વરસાદના લીધે થયેલા કાદવમાં આઇસર ફસાઈ ગયું હતું અને અંતે ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે આઇસર ચાલકની અટકાયત કરી ટ્રકમાંથી દારૂનો અંદાજિત 65 પેટીનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના જથ્થા સાથે આઇસર ચાલકની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચાલકે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનું નામ ખોલતા તે શખ્સને અટકાયતમાં લેવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કરી દીધા છે.

Leave a Comment