Site icon Shri Nutan Saurashtra

Kutch માં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં દુષ્કર્મની ત્રીજી ઘટના

Kutch,તા,09

ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  આ ઘટનામાં યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે યુવતીને અચાનક ચક્કર આવતાં પાણી પીવડાવવાના બહાને દુષ્કર્મ ગુજાર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત મંગળવારે (7 ઓક્ટોબર) ના રોજ રાપર તાલુકાના આડેસર ગામે ગરબા રમીને રાત્રે 1 વાગ્યાની આસપાસ પરત ફરી રહેલી દલિત સમાજની યુવતી સાથે પેવર બ્લોકનું કારખાનું ધરાવતા માલિકે દુષ્કર્મ ગુજાર્યો હતો. જેના લીધે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

યુવતી ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે અચાનક તેની તબિયત લથળી હતી અને ચક્કર આવી ગયા હતા. જેથી સંજય નામનો એક યુવક તેને નજીકના પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા માટે લઇ ગયો હતો. આ દરમિયાન યુવક-યુવતીને એકલા જોઇ કારખાનાના માલિક પ્રવિણ રાજપૂતમાં હવસનો કીડો સળવળી ઉઠ્યો હતો. તેણે યુવકને બહાર કાઢી મૂકે દરવાજો બંધ કરી દીધો અને પછી યુવતીની મરજી વિરૂદ્ધ તેના કપડાં ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન સંજય સાથે એક અન્ય યુવક પણ તેની મદદે આવી પહોંચ્યો હતો.  આ ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી આડેસર પોલીસ મથકે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રવિણ રાજપૂત વિરૂદ્ધ થોડા સમય અગાઉ ગેરકાયદે વ્યાજખોરીના મુદ્દે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે આજે સવારે સુરતના બોરસરાં ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના સર્જાઇ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી આજે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. આ ટાળે દુષ્કર્મનો કેસ પ્રકાશમાં આવતાં પોલીસબેડામાં ભારે દોડધામ મચી જવા પામી છે. નોંધનીય છે કે ગૃહરાજ્ય મંત્રી નવરાત્રિ ટાણે મોડે સુધી ગરબા રમવાની છૂટના મામલે વારંવાર નિવેદનો આપતાં હોય છે ત્યારે આજે કચ્છની મુલાકાતે છે ત્યારે ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મના કેસ અને મહિલાઓની સુરક્ષા અંગે શું નિવેદન આપે છે તે મહત્વનું છે.

Exit mobile version