આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ
Amreli,તા.૨૧
ગીરના પૂર્વ વિસ્તારમાં ધારી નજીક વન વિભાગે આ આંબરડી સફારી પાર્ક ૨૦૧૭થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં રૂ. ૨૭૨ કરોડના વિવિધ વિકાસલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. અને ત્યારબાદ અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ કર્યો હતો. આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ૩૬૫ હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે. ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.