Mumbai,તા.08
અમેરિકામાં રોજગારના આંકડા મજબૂત આવ્યા બાદ મંદીની ચિંતા હળવી થતા ક્રિપ્ટોકરન્સીસ બજારમાં આકર્ષણ જોવા મળ્યું હતું.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપમાં પણ સોમવારે ઉછાળો જોવા મળ્યો હતો. યુનાઈટેડ આરબ અમિરાતસે (યુએઈ) ક્રિપ્ટોને વેલ્યુ એડેડ ટેકસ (વેટ)માંથી મુક્તિ આપ્યાના અહેવાલે પણ બજારને ટેકો મળ્યો હતો.
અમેરિકામાં સપ્ટેમ્બરમાં અઢી લાખથી વધુ રોજગાર ઉમેરાયા હતા જે અપેક્ષા કરતા વધુ છે. રોજગારમાં મજબૂત ઉમેરાથી અર્થતંત્રમાં મંદીની ચિંતા હળવી થઈ છે. અમેરિકામાં બેરોજગારીનો દર પણ જે ઓગસ્ટમાં ૪.૨૦ ટકા હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૪.૧૦ ટકા પર આવી ગયો હતો. ચોવીસ કલાકમાં બિટકોઈન અઢી ટકાથી વધુ વધી મોડી સાંજે ૬૩૫૦૦ ડોલર બોલાતો હતો. એથરમ પણ ૨૪૫૦ ડોલર મુકાતો હતો. બિટકોઈન ઉપરમાં ૬૩૯૫૬ ડોલરની નજીક જોવા મળ્યો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં પીછેહઠ થઈ હતી.
ચીનમાં સરકારે છેલ્લા કેટલાક મહિનાથી પૂરા પાડેલા સ્ટીમ્યુલ્સથી ચીનનું અર્થતંત્ર ફરી બેઠું થઈ રહ્યું છે જેને કારણે પણ બજારના માનસમાં સુધારો જોવાયો છે.
એકસચેન્જો પર બિટકોઈન હોલ્ડિંગ્સ ૨૦૧૮ના નવેમ્બર બાદ નીચી સપાટીએ પહોંચી ગયું છે. લિક્વિડિટીમાં આ ઘટાડાએ પણ ભાવને ટેકો આપ્યો હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે.
બીજી બાજુ યુએઈએ દરેક ક્રિપ્ટો વ્યવહારોને વેટની ચૂકવણીમાંથી મુક્તિ આપતા તેને કારણે પણ બજારને ટેકો મળ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. આ મુક્તિ ૨૦૧૮ની ૧લી જાન્યુઆરીની પાછલી તારીખથી પૂરી પાડવામાં આવી છે.
બિટકોઈન ઉપરાંત, એકસઆરપી, ડોજકોઈન, સોલાના, બીએનબીમાં પણ ૬ ટકા સુધીનોે વધારો જોવા મળ્યો છે. આ ઉછાળાને પગલે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધી ૨.૨૧ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.