Rajkot માં બંગાળી કારીગર રૂ.૨૦.૯૦ લાખનું સોનુ લઈ ફરાર

 ગોસિયા જવેલર્સમાં ૨૦ વર્ષથી કામ કરતો નિખિલસિંગ  ૨૭૦ ગ્રામ સોનુ લઈ  પરીવાર સાથે રફૂચકર

Rajkot,તા.૪
શહેરના સોની વેપારીનું  બંગાળી કારીગરો દ્વારા  સોનુ તફડાવી જવાની ઘટના અવાર નવાર  પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક વખત સોની બઝારમાં ૪૦ વર્ષથી પેઢી  ધરાવતા  ગોસીયા જ્વેલર્સ નામની દુકાન વેપાર કરતાં અલીમભાઇને ત્યાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરતો બંગાળી કારીગરને ૯૦ જોડી બુટ્ટી બનાવવા ૨૭૦ ગ્રામ સોનુ રૂ.૨૦.૯૦ લાખનો મુદામાલ લઈ નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે સોની બઝારમાં ભટ્ટ શેરી દશા શ્રીમાળી હોસ્પિટલની પાછળ રહેતાં અલીમભાઇ કાસીમભાઇ અબ્દુલ (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિખિલસિંગ મધાયસિંગ (રહે. મૂળ બંગાળના અને હાલ સોની બઝારમાં ભટ્ટ શેરી દશા શ્રીમાળી હોસ્પિટલની પાછળ) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં ગોસીયા જ્વેલર્સ નામની દુકાન ધરાવી છેલ્લાં ૪૦ વર્ષથી સોનાનું ઘાટ કામ કરે છે. આરોપી નિખિલસિંગ છેલ્લાં વિસેક વર્ષથી તેઓની દુકાનની ઉપર આવેલ બીજી દુકાનમાં સોનાનું ઘાટકામ કરતો હતો.
ગઇ તા.૦૬ ના સવારના દશેક વાગ્યે તેઓએ પોતાની દુકાન ખોલેલ અને વેપારીની કાનની બુટ્ટી બનાવવા માટેનો ઓર્ડર આવેલ હોય જેથી તેમના વિશ્વાસે કારીગર નિખિલસિંગને દુકાનમાં બોલાવી  તેમને ૨૭૦ ગ્રામ ફાઇન સોનું તેમના ઉપર ભરોસો રાખી આપેલ હતું. તેમાંથી ૧૮ કેરેટની ૯૦ જોડી બુટ્ટી બનાવી ત્રણ-ચાર દિવસમાં આપવાનું નિખિલસિંગને કહેલ જેથી તેને ત્રણ-ચાર દીવસમાં બુટી બનાવી આપીશ તેવી ખાત્રી આપતા તેમના ઉપર વિશ્વાસ મુકી સોનુ આપેલ હતું. બાદમાં તે સોનુ લઇ ઉપરની દુકાને કામ કરવા માટે જતો રહેલ હતો..
આજ સુધી નિખિલસિંગ પરત ન આવતાં ૧૮ કેરેટની ૯૦ જોડી બુટી બનાવવા માટેનું ૨૭૦ ગ્રામ ફાઇન સોનુ રૂ.૨૦.૯૦ લાખ લઇ નાસી છૂટી વિશ્વાસઘાત કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Comment