Delhi માં Rohingya ઓ પર હુમલો, ટોળામાં સામેલ લોકોએ કહ્યું – અમે બદલો લીધો, વીડિયો વાયરલ

Delhi,તા.09

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો બદલો લેવા માટે દિલ્હીમાં અમુક રોહિંગ્યા મુસ્લિમો સાથે મારપીટ કરવામાં આવી. કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારીને ચર્ચામાં આવેલા કથિત ગૌરક્ષક દક્ષ ચૌધરીએ હુમલો કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર દક્ષે આને કબૂલ કરતાં કહ્યું કે તેણે જે કર્યું તે માટે તેને કોઈ પસ્તાવો નથી. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે 5-6 લોકો હાથમાં ડંડો લઈને કચરાના ઢગલાની આસપાસ રહેતાં લોકો પર તૂટી પડે છે. ડંડાથી તેમને મારવામાં આવી રહ્યાં છે. અપશબ્દો બોલીને તેમને જગ્યા ખાલી કરવા અને બાંગ્લાદેશ ભાગી જવાનું કહેવાઈ રહ્યું છે. હુમલો કરતી વખતે દક્ષ કહે છે બાંગ્લાદેશમાં હિંદુઓની દિકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યાં છે. સરકાર ચૂપ બેઠી છે, સંગઠન ચૂપ બેઠાં છે.

રોહિંગ્યા મુસ્લિમોને માર માર્યા બાદ દક્ષે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કરતાં કહ્યું, ‘જે કર્યું તે માટે કોઈ પસ્તાવો નથી, કેમ કે બાંગ્લાદેશમાં જે બહેનોની સાથે દુષ્કર્મ થયા, જે હિંદુઓને મારવામાં આવ્યા, મંદિરોને તોડવામાં આવ્યા તે બધાં મારા પોતાના હતાં, દરેક ભારતીય હતાં. શા માટે મારવામાં આવ્યા તેમને, શા માટે દુષ્કર્મ થયાં કેમ કે તેઓ હિંદુ હતાં. વિપક્ષ મૌન છે, બોલિવૂડ મૌન છે, આ તે જ બોલિવૂડ છે જે હમાસનું સમર્થન કરે છે પરંતુ જ્યારે હિંદુઓ પર બર્બરતા થાય છે તો મૌન રહે છે. અમે શરૂઆત કરી દીધી છે, બાકી હવે શું કરવાનું છે ભારતના યુવાનો, સંગઠનોએ એ તમને ખબર છે. હવે આ દેશમાં રોહિંગ્યા મુસ્લિમ બિલકુલ રહેવાં જોઈએ નહીં. સરકાર અસમર્થ છે, આપણે નહીં. ફરિયાદ થઈ છે, ધરપકડ પણ થશે, જેલ પણ જાવ, પરંતુ હવે કોઈ ડર નથી. ખબર નહીં હવે શું થશે. જય શ્રીરામ.’

દક્ષ તે વ્યક્તિ છે જેણે ફૈજાબાદ બેઠકથી ભાજપની હાર પર અયોધ્યાના લોકો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા કન્હૈયા કુમાર પર હુમલા બાદ પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં રહેતો દક્ષ પોતાને ગૌરક્ષક ગણાવે છે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ મોટા પાયે હિંસા થઈ. આ દરમિયાન ઘણા સ્થળે હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા. આ મુદ્દે ભારતમાં હિંદુવાદી સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારને શુભકામનાઓ આપતાં કહ્યું કે હિંદુઓ અને લઘુમતી સમુદાયની રક્ષા કરવામાં આવે.

Leave a Comment