Uttar Pradesh,તા.02
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આશિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારની રાત્રે અનિકા રસ્તોગી નામની 19 વર્ષની વિદ્યાર્થીની યુનિવર્સીટી હોસ્ટેલમાં તેના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તપાસ કરતા સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું કે તે 1998 બેચના IPS અધિકારીની પુત્રી હતી.
અનિકા IPS અધિકારીની પુત્રી હતી
અનિકા ઉત્તર પ્રદેશમાં લખનૌની પ્રતિષ્ઠિત રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. અનિકા રસ્તોગીના પિતા સંતોષ રસ્તોગી લખનૌમાં આઈપીએસ અધિકારી છે. તે NIA દિલ્હીમાં IG તરીકે કામ કરે છે. અનિકા રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટી, લખનૌમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજા નહી
અનિકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. જો કે મોતનું કારણ પણ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો મૃતદેહ લઈને દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
આ ઉપરાંત જયારે અનિકા તેના રૂમમાં બેભાન અવસ્થામાં મળી ત્યારે તેના કપડાં પણ વ્યવસ્થિત હતા તેમજ શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના કે બળજબરી કર્યાના કોઈ નિશાન જોવા નથી મળ્યા. તેમજ તેઓ રૂપ પણ વ્યવસ્થિત હતો. ત્યાં પણ કઈ શંકાસ્પદ જોવા મળ્યું ન હતું.
અનિકાને પહેલા પણ આવ્યો હતો હાર્ટ એટેક
સૂત્રો અનુસાર અનિકા રસ્તોગીને પહેલાથી જ મેડિકલ પ્રોબ્લેમ હતી. તેને પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેણે ત્રણ વખત હાર્ટ સંબંધિત ઓપરેશન કરાવ્યું હતું. તેમજ તેની દવાઓ પણ ચાલુ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પીડિતાના પરિવારજનોએ હજુ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.