Site icon Shri Nutan Saurashtra

Iran રશિયાને બેલાસ્ટિક મિસાઈલ આપી હોવાની અમેરિકાને શંકા

પશ્ચિમી દેશો અને યુક્રેન સામે જોખમ સર્જી શકે  

ઈરાને આરોપો ફગાવ્યા, અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ દેશને શસ્ત્ર ન આપવાની સલાહ આપી

Washington,તા.09

અમેરિકાએ તેના સાથી રાષ્ટ્રોને માહિતી આપી છે કે ઈરાને રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં વપરાશ માટે ટૂંકા અંતરની બેલાસ્ટિક મિસાઈલ પૂરી પાડી હોવાની તેને શંકા છે. ઈન્ટેલીજન્સ ઈનપુટના આધારે અપાયેલી આ માહિતીને વ્યાપક પ્રસિદ્ધિ નથી અપાઈ અને મિસાઈલ ટ્રાન્સફરની સંખ્યા અને સમયની વિગતો વિશે કોઈ સ્પષ્ટતા પણ નથી કરાઈ. દરમ્યાન વ્હાઈટ હાઉસે આ ટ્રાન્સફરની પુષ્ટી નથી આપી પણ તેણે ઈરાનના રશિયાને વધતા સમર્થન બદલ ચિંતા વ્યક્ત કરી છે અને ચેતવણી આપી છે કે આવા કૃત્યોને કારણે જાનહાનિ વધી શકે છે અને યુરોપિયન એકતા સામે જોખમ સર્જાઈ શકે છે.

રશિયાના મહત્વના પ્રદેશો કબજે કરતા યુક્રેનના આક્રમક વલણ વચ્ચે અમેરિકાનું આ વિશ્લેષણ આવ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલન્સ્કીએ રશિયન પ્રદેશોમાં ઊંડે સુધી વાર કરી શકે તેવી મિસાઈલો પૂરી પાડવા પશ્ચિમના દેશો પર દબાણ વધાર્યું છે.

દરમ્યાન ઈરાને અમેરિકાના આરોપો ફગાવતા જણાવ્યું છે કે તે આ સંઘર્ષમાં સામેલ કોઈપણ પક્ષને શસ્ત્ર સહાય નથી કરી રહ્યું અને અન્યો પાસે પણ તેવી જ અપેક્ષા રાખી રહ્યું છે. ઈરાને વધુમાં જણાવ્યું હતું કે તેના મતે આવા સંઘર્ષોમાં શસ્ત્ર સહાય અમાનવીય ગણી શકાય અને યુદ્ધવિરામની વાટાઘાટો માટે વિપરીત સાબિત થઈ શકે.

બીજી તરફ અમેરિકાને રશિયા, ઈરાન, ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગ વિશે સતત ચિંતા થઈ રહી છે. સીઆઈએ ડાયરેક્ટર વિલિયમ્સ બર્ન્સે આ સમસ્યાજનક સહયોગને વિશ્વ શાંતિ, યુક્રેન, પશ્ચિમી દેશો અને મધ્યપૂર્વના દેશો માટે જોખમી ગણાવ્યું છે.

દરમ્યાન ઈરાને રશિયાને ડ્રોન્સ તેમજ ઉત્તર કોરિયાએ દારૃગોળો અને મિસાઈલો આપવાનું ચાલુ રાખ્યું છે. ચીન રશિયાને આવા હથિયાર પૂરા પાડવાનું ટાળતું રહ્યું હોવા છતાં તેણે રશિયાને લશ્કરી ઉપકરણોના ઉત્પાદનમાં કામ આવે તેવી ટેકનોલોજીનું વેચાણ વધારી દીધું છે.

Exit mobile version