નોટબંધી બાદ Digital Payments ની માત્રામાં નોંધાયેલો 44 ટકાનો વધારો

Mumbai,તા,23

૮મી નવેમ્બર, ૨૦૧૬માં નોટબંધી લાગુ થયા બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં નોંધપાત્ર આકર્ષણ વધ્યાનું જોવા મળી રહ્યું છે. નાણાં મંત્રાલયના આંકડા પ્રમાણે  નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના  અંતે સમાપ્ત  થયેલા છ  વર્ષના ગાળામાં ડિજિટલ પેમેન્ટસના વ્યવહારની સંખ્યામાં સરેરાશ ૪૪ ટકા વધારો થયો છે.

નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ડિજિટલ પેમેન્ટસની કુલ સંખ્યા જે ૨૦૭૧ કરોડ હતી તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે વધી ૧૮૭૩૭ કરોડ રહી હોવાનું પણ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

આમ નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટસની સંખ્યામાં વાર્ષિક સરેરાશ ૪૪ ટકા વધારો થયો છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં દેશમાં ડિજિટલ પેમેન્ટસ વ્યવહારનું કુલ મૂલ્ય વધી રૂપિયા ૧૬૬૯ લાખ કરોડ રહ્યાનું નાણાં મંત્રાલય દ્વારા જણાવાયું છે. ડિજિટલ પેમેન્ટસના વ્યવહારની સંખ્યા આ ગાળામાં ૮૬૫૯ કરોડ રહી હતી. દેશની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં યુપીઆઈની કામગીરી પાયાની રહેલી છે. યુપીઆઈને કારણે જ દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં ક્રાંતિ શકય બની હોવાનું નિવેદનમાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮થી નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના ગાળામાં યુપીઆઈ મારફતના વ્યવહાર ૯૨ કરોડ પરથી વાર્ષિક  સરેરાશ ૧૨૯ ટકાના દરે વધી ૧૩૧૧૬ કરોડ પર પહોંચી ગયા હતા.

Leave a Comment