cryptocurrency ના સ્વીકારની દ્રષ્ટિએ 150 દેશોમાં ભારત સતત બીજા વર્ષે આગેવાન

Mumbai,તા,13

વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં ક્રિપ્ટોકરન્સીસ પ્રત્યે સૌથી વધુ આકર્ષણ ભારતમાં હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. વર્તમાન વર્ષના જુલાઈના અંતે સમાપ્ત થયેલા એક વર્ષમાં ભારત સતત બીજા વર્ષે ક્રિપ્ટોકરન્સીસના સ્વીકારની દ્રષ્ટિએ  આગેવાન રહ્યું છે. અમેરિકામાં ફુગાવો નીચો આવતા બિટકોઈન સહિતની ક્રિપ્ટોસમાં ગુરુવારે ઉછાળો આવ્યો હતો.

ક્રિપ્ટોસના કામકાજ પર ભારતમાં સખત નિયમનો અને ઊંચા ટેકસ દર હોવા છતાં રોકાણકારો આ રિસ્કી એસેટસમાં ઊંડો રસ ધરાવી રહ્યા છે.

કેન્દ્રિત એકસચેન્જો અને વિકેન્દ્રિત ફાઈનાન્સ એસેટસના વપરાશમાં ૧૫૧ દેશોમાં ભારત ઊંચી રેન્ક ધરાવે છે. જૂન ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ના એક વર્ષના ટ્રેન્ડસને રિપોર્ટમાં આવરી લેવાયો હતો.

૨૦૧૮થી ભારતે ક્રિપ્ટોકરન્સીસ સામે સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક નિયમોના પાલન નહીં કરવા બદલ ભારતના  ફાઈનાન્સિઅલ ઈન્ટેલિજન્સ  યુનિટે વિદેશના નવ જેટલા એકસચેન્જોને ગયા વર્ષના અંતે નોટિસ ફટકારી હતી.

મર્યાદાઓ છતાં ક્રિપ્ટોની વિવિધ પ્રકારની એસેટસના સ્વીકારના ભારતમાં વિવિધ સ્તર જોવા મળી રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

કેટલીક મર્યાદાઓ ભારતે પાછી ખેંચવાનું શરૂ કર્યું છે જે દેશમાં ક્રિપ્ટોસના સ્વીકારમાં વધારો કરાવશે.

ઈન્ડોનેશિયામાં ક્રિપ્ટોસના વેપારમાં જંગી વોલ્યુમ જોવા મળ્યું છે. ઈન્ડોનેશિયામાં પેમેન્ટસ માટે ક્રિપ્ટોકરન્સીસના ઉપયોગ પર પ્રતિબંધ છે પરંતુ ઈન્વેસ્ટમેન્ટસ એસેટસ તરીકે તે માન્ય છે. જુલાઈના અંતે સમાપ્ત થયેલા ૧૨ મહિનામાં આ દેશમાં ક્રિપ્ટોસમાં ૧૫૭.૧૦ અબજ ડોલરનો ઈન્ફલોસ જોવા મળ્યો હતો.

દરમિયાન અમેરિકામાં ફુગાવાનો આંક અપેક્ષા કરતા નીચો આવતા ફેડરલ રિઝર્વ આવતા સપ્તાહે વ્યાજ દરમાં ઘટાડો કરશે તે હવે લગભગ નિશ્ચિત થઈ ગયું હોવાથી ક્રિપ્ટોસમાં સટોડિયાઓની લેવાલી નીકળી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનના ભાવ ૫૮૦૦૦ ડોલરને પાર કરી ગયા હતા. એથરમ ૨૩૫૬ ડોલર બોલાતો હતો.

Leave a Comment