credit card સહિતની બેંકિંગ સેવાઓ મોંઘી થશે

Mumbai,તા,12

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ક્રોસ બોર્ડર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટે નવા ડિસ્ક્લોઝર ધોરણો લાગુ કરવા પર વિચાર કરી રહી છે. એફએટીએફ ઘણા દેશોની સરકારોનું સંગઠન છે, જેનું કામ મની લોન્ડરિંગને રોકવાનું છે. એફએટીએફના સૂચિત સુધારામાં ક્રેડિટ કાર્ડ અને વાયર ટ્રાન્સફર પણ નવા નિયમના દાયરામાં આવશે અને નિયમોમાં ફેરફાર સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના ટ્રાન્ઝેકશનોને અસર કરશે.

એક મીડિયા રિપોર્ટમાં નાણા મંત્રાલયના સૂત્રોના ટાંકીને જણાવ્યું કે સૂચિત ફેરફારોમાં વાયર ટ્રાન્સફરની રિયલ-ટાઇમ ટ્રેકિંગનો સમાવેશ થશે. વાયર ટ્રાન્સફર હાલના ધારાધોરણોમાં ઉપલબ્ધ જ છે પરંતુ હંમેશા તેનો સર્વેલન્સમાં ઉપયોગ થતો નથી. આ નવા સંભવિત ફેરફારોથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને વ્યવહારોને અસર થશે.

નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ભારત ડિસ્ક્લોઝર એટલે કે ખુલાસો અને પારદર્શિતા પર ભાર મૂકે છે પરંતુ અમારૂં માનવું એ પણ છે કે આવા પગલાંથી ફિનટેક ઈન્ડસ્ટ્રી માટે સમસ્યાઓ ઊભી થવી જોઈએ નહીં અથવા લોકો માટે વ્યવસાય કરવામાં મુશ્કેલી ઉભી ન થવી જોઈએ.એફએટીએફ ‘ટ્રાવેલ રૂલ’ના અમલીકરણની પણ તપાસ કરી રહ્યું છે. આ નિયમ હેઠળ તમામ ક્રોસ બોર્ડર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ટ્રેકિંગ સક્ષમ બનશે. હાલમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં ફક્ત કાર્ડધારક અને તેના દેશનું નામ જ જાહેર કરવું જરૂરી છે. નવા ધારા-ધોરણમાં ટ્રાન્ઝેક્શનનું રિયલ ટાઈમ ટ્રેકિંગ વધશે. આ સાથે વધુ માહિતીનો પણ ખુલાસો આપવો પડશે. તેનાથી અંતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ માટે ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે.

નાણા મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે જો નવા નિયમો લાગુ  થશે તો ઘણા દેશોમાં કાયદાકીય અને પ્રક્રિયાગત ફેરફારો કરવા પડશે. ઉદ્યોગ જગત માને છે કે આ ફેરફારોથી ક્રેડિટ કાર્ડ કંપનીઓ માટે કોમ્પ્લાયન્સ કોસ્ટ એટલે કે અનુપાલન ખર્ચમાં વધારો થશે.

આ પ્રસ્તાવિત ફેરફારોની ચર્ચામાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે. મહત્વની વાત એ છે કે એફએટીએફની આ અંગેની મહત્વની બેઠક આવતા વર્ષે મુંબઈમાં યોજાવા જઈ રહી છે. આરબીઆઈ આ મુદ્દા સાથે સંબંધિત પક્ષકારો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. સરકારનો મત પારદર્શિતા વધારવાના પક્ષમાં છે પરંતુ કોમ્પ્લાયન્સ કોસ્ટમાં વધારાને કારણે ટ્રાન્ઝેક્શનની સ્પીડ અને વૃદ્ધિને અવરોધ પણ ન પડવો જોઈએ. એફએટીએફ ફાઈનાન્શિયલ ઈન્ફલુઝન એકાઉન્ટ્સ માટેના ધોરણોમાં પણ ફેરફાર કરવા માંગે છે.

Leave a Comment