સમાધાન નહિ થતાં હુમલો કર્યાની રાવ : ભાડલા પોલીસમાં એક મહિલા સહીત સામ-સામે 7 વિરુદ્ધ ગુનો
Jasdan, તા.૩૧
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાણીંગપર ગામે વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને કાકા-ભત્રીજા બાખડ્યાનો બનાવ સામે આવ્યો છે. તુવેરના જાળા રસ્તા પર મૂકી દેવાતા વરસાદી પાણીનો નિકાલ ન થતો હોય, જાળા હટાવી લેવાનું કહેતા કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનું સમાધાન કરવા બંને પરિવારના સભ્યો મળ્યા હતા પણ સમાધાન નહિ થતાં બંને પરિવારો બાખડ્યા હતા. મામલામાં ભાડલા પોલીસે સામસામે એક મહિલા સહીત કુલ 7 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ભાડલા પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી પ્રથમ ફરિયાદના જીજાબેન વનરાજભાઈ ઠાકરશીભાઈ સોમાણીએ દલસુખભાઈ નાનજી સોમાણી, રાજેશ નાનજી સોમાણી, કાળું ઉર્ફે લવજીભાઈ સોમાણી અને અજય લવજી સોમાણીના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, તેના સસરા ઠાકરશી સોમાણી ગત તા. 27ના રોજ કુદરતી હાજતેથી પાછા ફરતા હતા ત્યારે દલસુખ સોમાણીએ કહ્યું હતું કે, તમે રસ્તા પર તુવેરની સાઠીઓ મૂકી છે તે હટાવી લેજો. તુવેરની સાઠીના લીધે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી અમારા ઘરમાં ભરાય છે. જે બાદ બીજા દિવસે દલસુખ સોમાણીના મોટા ભાઈ રાજેશ સોમાણી ઘરે આવીને સમાધાનની વાત કરી હતી પણ સમાધાન નહિ થતાં તેઓ ઘરેથી ચાલ્યા ગયા હતા. જે બાદ ફરીવાર દલસુખ અને રાજેશ સોમાણી ઘરે આવીને માથાકૂટ કરવા લાગ્યા હતા. દરમિયાન ફરિયાદીને પેટમાં પાટુ મારતા તેઓ પડી ગયા હતા. જયારે ફરિયાદીના પતિ વનરાજને પગના ભાગે લાકડી મારી દેવાઈ હતી. જે બાદ ગામના લોકો આવી જતાં હુમલાખોરો નાસી ગયા હતા. જે બાદ ફરિયાદી પ્રથમ ભાડલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં હતા.
જયારે સામાપક્ષે દલસુખ નાનજીભાઈ સોમાણીએ ઠાકરશી ભીમાભાઇ સોમાણી, વનરાજ ઠાકરશી સોમાણી અને જીજાબેન વનરાજ ઠાકરશીના નામ આપ્યા છે. દલસુખ સોમાણીએ જણાવ્યું છે કે, તેમણે તેમના કાકા ઠાકરશી સોમાણીને તુવેરના જાળા રસ્તા પરથી હટાવી લેવા જણાવ્યું હતું. જાળાના લીધે તેમના રસોડામાં પાણી ભરાઈ જાય છે તેવું જણાવતા ઠાકરશી સોમાણીએ તારે જે કરવું હોય તે કર, જાળા હટાવવાની થતી નથી તેવું કહ્યું હતું. બોલાચાલી થયાં બાદ ઠાકરશીએ સમાધાન માટે બોલાવ્યા હતા અને ત્યાર પછી સમાધાન કર્યું ન હતું.
જેથી દલસુખ અને રાજેશ સોમાણી ઠાકરશી સોમાણીના ઘરેથી નીકળી ગયા હતા. જર બાદ ઠાકરશી સોમાણીની પુત્રવધુ જીજાબેન જોરજોરથી ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા વનરાજ ઠાકરશીએ લાકડી વડે હુમલો કર્યો હતો.
હાલ આ મામલે ભાડલા પોલીસે સામ-સામે સાત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.