Rajkot:ક્રેડિટ કાર્ડનાં આધારે રોકડા કરવા જતાં યુવાનને 1.65 લાખનો ચૂનો

ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ ક્રેડિટ કાર્ડનાં આધારે આરોપીએ પોતાની જાતે રકમ ટ્રાન્સફર કરાવી લઇ રોકડા ન આપ્યા

Rajkot,તા.20

ક્રેડિટ કાર્ડનાં આધારે રોકડા રૂપિયા લેવા જતાં મયુરરાજ લાલજીભાઇ વાઘેલા (ઉ.વ. 29)ના આરોપી હર્ષ સોમૈયાએ 1.65 લાખની રકમ ઓળવી લીધાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેનાં આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

અંબાજી કડવા પોલીસ શેરી નં. 2માં રહેતા મયુરરાજે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે 150 ફૂટ રિંગ રોડ પર મોલમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. અયોધ્યા ચોક પાસે આવેલા મોલમાં 2023ની સાલમાં હતો ત્યારે પૈસાની જરૂરિયાત પડત મિત્ર ધીરેન ધાબલીયાને વાત કરી હતી. જેણે હર્ષને કોલ કરી બોલાવ્યો હતો. જેણે તેને કહ્યું કે, તમારા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મારામાં ટ્રાન્સફર કરી આપવાનાં રહેશે. હું તમને રોકડા આપી દઇશ, બદલામાં અઢી ટકા કમિશન લઇશ. જેથી તેણે પોતાનાં જુદા-જુદા ચાર ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 1.24 લાખ હર્ષને ટ્રાન્સફર કર્યા હતાં. જેણે એક-બે કલાકમાં રોકડા આપી દેવાની વાત કરી હતી. જો કે તે દિવસે તે પૈસા લેતા ભૂલી ગયો હતો. બીજા દિવસે હર્ષને કોલ કરતાં તેણે કહ્યું કે, તમારા એક ક્રેડિટ કાર્ડમાં હજુ બેલેન્સ છે તે ટ્રાન્સફર કરી આપો તો વધુ પેમેન્ટ તમને કરી આપું.

પરિણામે તેણે તે ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂા. 50,000 ટ્રાન્સફર કરી આપ્યા હતાં. તે વખતે એકાદ કલાકમાં પેમેન્ટ કરી આપું તેમ કહી હર્ષ જતો રહ્યો હતો. બાદમાં પેમેન્ટ કર્યું ન હતું. તેના કોલ રિસિવ કરવાનું પણ બંધ કરી દીધું હતું તેનાં મિત્ર ધીરેને પૈસા કઢાવી આપવાની વાત કરી હતી. ત્યારપછી તેણે હર્ષ પાસેથી 1.65 લાખ માંગતા ગલ્લા-તલ્લા શરૂ કરી બહાના  બતાવવા લાગ્યો હતો. જેને કારણે છેતરાઇ ગયાનો અહેસાસ થતાં આખરે તેનાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment