Mumbai,તા.07
અમદાવાદ છ માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફ્રન્ટ રનિંગ અને ઇનસાઇડર ટ્રેડિંગને રોકવા માટે નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. આ અંતર્ગત એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ઈન્સટીટયુશનલ મિકેનિઝમ સ્થાપિત કરવું પડશે અને જવાબદારીપૂર્વક તેનું સંચાલન કરવાનું રહેશે. આ સિવાય માર્કેટ રેગ્યુલેટરે એસેટ મેનેજમેન્ટ કંપનીને ‘વ્હિસલ-બ્લોઅર’ સિસ્ટમ પણ ઉભી કરવાનો નિર્દેશ આપ્યો છે. એક્સિસ એએમસી અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) સાથે સંકળાયેલા ‘ફ્રન્ટ-રનિંગ’ કેસોના સંબંધમાં બે ઓર્ડર પસાર કર્યા પછી સેબીનો નિર્ણય આવ્યો છે.
સેબીએ જણાવ્યું કે, ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સિક્યોરિટીઝમાં ‘ફ્રન્ટ-રનિંગ’ અને ઇન્સાઇડર ટ્રેડિંગ સહિતના સંભવિત બજાર દુરુપયોગોને ઓળખવા અને અટકાવવા માટે બોર્ડ દ્વારા નિર્દિષ્ટ ઈન્સટીટયુશનલ મિકેનિઝમ સ્થાપિત કરવી જોઈએ.’
સૌથી મહત્વની વાત એ છે કે સેબીએ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અથવા મેનેજિંગ ડિરેક્ટર અથવા સમકક્ષ રેન્કની અન્ય કોઈ વ્યક્તિ અને એસેટ મેનેજમેન્ટ કંપનીના મુખ્ય અનુપાલન અધિકારી ઈન્સટીટયુશનલ મિકેનિઝમના અમલીકરણ માટે જવાબદાર રહેશે અને કોઈપણ ધાંધલબાજી થશે તો તેઓ જવાબદાર રહેશે. સેબીના આ આદેશને સરળ રીતે સમજીએ તો નવા નિયમો હેઠળ કોઈપણ ફ્રન્ટ રનિંગ અથવા ઈન્સાઈડર ટ્રેનિંગની ધાંધલબાજી માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ટોચના અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે
એસેટ મેનેજમેન્ટ કંપનીઓને એક ‘વ્હિસલ-બ્લોઅર’ પોલિસી સ્થાપિત કરવા અને અમલમાં મૂકવા આદેશ છે, જે કર્મચારીઓ, ડિરેક્ટર્સ, ટ્રસ્ટીઓ અને અન્ય હિતધારકોને શંકાસ્પદ છેતરપિંડી, અયોગ્ય અથવા અનૈતિક વર્તન, નિયમનકારી અથવા કાનૂની જરૂરિયાતોના ઉલ્લંઘન અથવા બિઝનેસના ખોટા આચરણની જાણ કરવા સક્ષમ બનાવશે.’
સેબીએ જણાવ્યું હતું કે વ્હિસલ-બ્લોઅર્સની પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ગોપનીય મિકેનિઝમ પણ લાગુ કરવી પડશે. ૧લી ઓગસ્ટના ગેજેટ્સ અનુસાર આ તમામ ફેરફારો ૧ નવેમ્બરથી અમલમાં આવશે.