પાટણમાં Akhil Anjana Chaudhary Samaj ની સાધારણ સભામાં બે જૂથ બાખડી પડ્યા

સાધારણ સભામાં છૂટ્ટા હાથની મારામારી અને પથ્થરમારો થતાં સમાજના ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત

Patan, તા. ૭

પાટણ ખાતે અખિલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભા મળી હતી. સભાના અધ્યક્ષ સ્થાનને મામલે બે જૂથ પડી જતાં હોબાળો થયો હતો અને બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં નાસભાગ થઈ ગઈ હતી અને છૂટ્ટા હાથની મારામારી તથા પથ્થરમારો થતાં સમાજના ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મામલો ઉગ્ર ના બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પાટણની આદર્શ વિદ્યાલય ખાતે રવિવારે અખિલ આંજણા સમાજની સાધારણ સભા યોજાઈ હતી. આંજણા સમાજની યોજાયેલી આ સભામાં મુખ્ય મુદ્દો સમાજના પ્રમુખ તેમજ હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવાનો હોવાથી સમાજમાં બે જૂથ પડી ગયા હતા અને જોત જોતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા. જેના કારણે સભામાં હોબાળો થયો તેમજ ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાયું હતું.

મામલો વધુ ઉગ્ર બનતાં સભામાં એકબીજા ઉપર ધોકાઓ વડે તેમજ પથ્થરો વડે મારો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને જૂથના લોકોને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ કરાતાં પાટણ બી ડિવીઝન પોલીસ અને ૧૦૮ને ટીમ તરત જ આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સભાએ આવી પહોંચી હતી.

જોકે સામાજિક ઝઘડો વધુ ઉગ્રરૂપ ધારણ ના કરે તે માટે મામલને શાંત પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સભામાં સામસામે થયેલા ઝઘડામાં ૧૦થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણ સિવિલ અને ધારપુર મેડિકલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  સામાજિક ઝઘડામાં કેમ મામલો ઉગ્ર બન્યો અને કોના કોના દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવ્યા તે બાબતને લઈને પાટણ પોલીસ દ્વારા ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે તેવી વિગત પાટણ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સૂત્રોએ જણાવ્યું હતું.

 

Leave a Comment