Mumbai,તા.26
ઘઉં અને ચોખાના બમ્પર ઉત્પાદનને કારણે જૂનમાં પૂરા થયેલા ૨૦૨૩-૨૪ પાક વર્ષમાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન રેકોર્ડ ૩૩૨.૨૨ મિલિયન ટન પર પહોંચ્યું છે. ૨૦૨૩-૨૪ માટે અંતિમ અંદાજ અગાઉના વર્ષના ૩૨૯.૬ મિલિયન ટનથી ૨.૬૧ મિલિયન ટનનો વધારો દર્શાવે છે તેમ કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું.
ચોખાનું ઉત્પાદન ૨૦૨૨-૨૩માં ૧૩૫.૭૫ મિલિયન ટનથી વધીને ૧૩૭.૮૨ મિલિયન ટનના રેકોર્ડને સ્પર્શ્યું હતું. ઘઉંનું ઉત્પાદન પણ અગાઉના વર્ષના ૧૧૦.૫૫ મિલિયન ટનની સરખામણીએ ૧૧૩.૨૯ મિલિયન ટનની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
જોકે, કઠોળનું ઉત્પાદન ૨૬.૦૫ મિલિયન ટનથી ઘટીને ૨૪.૨૪ મિલિયન ટન થયું હતું અને તેલીબિયાંનું ઉત્પાદન ૪૧.૩૫ મિલિયન ટનથી ઘટીને ૩૯.૬૬ મિલિયન ટન થયું હતું.
શેરડીનું ઉત્પાદન ૪૯૦.૫૩ મિલિયન ટનથી ઘટીને ૪૫૩.૧૫ મિલિયન ટન થયું અને કપાસનું ઉત્પાદન ૩૩.૬૬ મિલિયન ગાંસડીથી ઘટીને ૩૨.૫૨ મિલિયન ગાંસડી (૧ ગાંસડી બરાબર ૧૭૦ કિલો) થયુ હતું. પ્રદેશો પાસેથી મળેલી માહિતી પર આધારિત છે, એમ મંત્રાલયે ઉમેર્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે કઠોળ, બરછટ અનાજ, સોયાબીન અને કપાસના ઉત્પાદનમાં થયેલા ઘટાડા માટે મહારાષ્ટ્ર સહિત દક્ષિણી રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને રાજસ્થાનમાં લાંબા સમય સુધી સુકા સ્પેલને આભારી છે.