Private Sector માં વેપાર પ્રવૃત્તિ મંદ પડી રહ્યાના સાંપડી રહેલા સંકેતો

Mumbai,તા.24

ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રની પ્રવૃત્તિ વર્તમાન મહિનામાં ધીમી પડતા આ બન્ને ક્ષેત્ર માટેનો એચએસબીસીનો પ્રારંભિક સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓગસ્ટના ૬૦.૭૦ની સરખામણીએ ઘટી ૫૯.૩૦ રહ્યો છે. ૨૦૨૪માં આ સૌથી નીચું વિસ્તરણ છે.

દેશના ખાનગી ક્ષેત્રનું  વિસ્તરણ મંદ પડયાનું પીએમઆઈમાં ઘટાડા પરથી સંકેત મળે છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સપ્ટેમ્બરમાં સતત ૩૮મી વખત પ્રારંભિક સંયુકત પીએમઆઈ ૫૦થી ઉપરના આંકે જોવાયો છે.

એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા સર્વે પ્રમાણે,  ખાનગી ક્ષેત્રમાં વિસ્તરણ જળવાઈ રહ્યું છે પરંતુ નવા ઓર્ડરમાં વધારો વર્તમાન વર્ષનો સૌથી નીચા સ્તરે રહ્યો છે. જો કે પીએમઆઈમાં વૃદ્ધિનું સ્તર લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચુ રહ્યું છે.

વેપાર વિશ્વાસમાં વધારાને પરિણામે રોજગારની સ્થિતિમાં મજબૂત વધારો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. સેવા ક્ષેત્રમાં રોજગારમાં વધારો ૨૦૨૨ના ઓગસ્ટ બાદ સૌથી ઊંચો રહ્યો છે. નવા ઓર્ડરોમાં વધારાને કંપનીઓ દ્વારા ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા હોવાનું  પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

કિંમતના મોરચે કાચા માલ તથા આઉટપુટની કિંમત સપ્ટેમ્બરમાં પ્રમાણમાં સ્થિર રહી છે. સેવા પૂરી પાડતી કંપનીઓએ સેવા પેટેના દરમાં અઢી વર્ષનો ધીમો વધારો કર્યો છે.પ્રારંભિક પીએમઆઈમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની કુલ ૮૦૦ કંપનીઓમાંથી ૭૫થી ૮૫ ટકા કંપનીઓનો સર્વે હાથ ધરવામાં આવે છે. પીએમઆઈ તૈયાર કરવા માટે દર મહિને ૮૦૦ કંપનીઓનો સર્વે કરવામાં આવે છે.

Leave a Comment