stocks ઉછળતાં રૂપિયા સામે ડોલરગબડી નીચામાં 83.50ની અંદર

Mumbai,તા.21

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો ઝડપી આગળ વધ્યો હતો. શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી આવતાં કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૩.૬૯ વાળા આજે સવરે રૂ.૮૩.૬૩ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૩.૬૪ થયા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૪૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૫૬ રહ્યા હતા.

અમેરિકામાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરાયા પછી મુંબઈ કરન્સી બજારમાં છેલ્લા બે દિવસથી રૂપિયો ઝડપી ઉંચકાયો છે જ્યારે રૂપિયા સામે ડોલરના ભાવમાં બે દિવસમાં નોંધપાત્ર પીછેહટ જોવા મળી હતી. ડોલરના ભાવ આ પૂર્વે રૂ.૮૩.૫૦ની અંદર છેલ્લે  ૯મી જુલાઈના રોજ ગયા હતા મુંબઈ બજારમાં આજે ડોલરમાં અમુક ફોરેન બેન્કોની વેચવાલી પણ જોવા મળી હતી.

આ વિદેશી બેન્કો પૈકી બે મોટી બેન્કો  અમેરિકા બેઝડ હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. વિશ્વ બજારમાં ડોલર સામે વિવિધ એશીયન કરન્સીઓ તથા અન્ય પ્રમુખ કરન્સીઓના ભાવ આજે વધી આવ્યાના સમાચાર  મળ્યા હતા. મુંબઈ બજારમાં આજે ડોલરમાં નીચા મથાળે અમુક સરકારી બેન્કોની ખરીદી જોવા મળી હતી.

આયાતકારો તથા આરબીઆઈ માટે આવી ખરીદી આ સરકારી બેન્કો કરી રહી હતી. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધુ ૨૨૩ મિલીયન અબજ ડોલર વધી ૬૮૯.૪૬ અબજ ડોલરની નવી ઊંચી ટોચે પહોંચતાં તેના પગલે પણ કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી.જો કે વિશ્વ બજારમાં આજે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટયા મથાળેથી વધી આવ્યાનૌ સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૧૦૦.૪૧ થયા પછી ઉછળી ૧૦૦.૮૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬ પૈસા વધી રૂ.૧૧૧.૧૦ રહ્યા હતા. ઉંચામાં ભાવ રૂ.૧૧૧.૪૪ થયા પછી ભાવ ઘટયા હતા.

યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી રૂ.૯૩.૨૮ રહ્યા હતા. દરમિયાન રૂપિયા સામે જાપાનની કરન્સી આજે  ૦.૭૭ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સીમાં નજીવી પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઘટતાં તેની અસર પણ રૂપિયાના ભાવ પર અનુકૂળ દેખાઈ હતી.

Leave a Comment