Site icon Shri Nutan Saurashtra

IPOની બોલબાલા : વૈશ્વિક સ્તરે 822 ઇશ્યૂ થકી 65 અબજ ડોલર એકત્ર કરાયા

Mumbai,તા,30

ગ્લોબલ સેકન્ડરી શેરમાર્કેટમાં તેજીના બુલરનનો ફાયદો કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં પણ ઉઠાવી રહી છે. એક બાદ એક મોટા આઈપીઓ બજારમાં પૈસા એકત્ર કરવા આવી રહ્યાં છે અને નાનાથી લઈને મોટા તમામ રોકાણકારો તેને બહોળો પ્રતિસાદ પણ આપી રહ્યાં છે. ૨૦૨૪માં ઓગસ્ટ માસ સુધીમાં જ ૮૨૨ જાહેર ભરણાં આવી ચૂક્યાં છે.

લંડન સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ ગ્લોબલડેટાનો તાજેતરનો અહેવાલ સૂચવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ આઠ મહિના એટલેકે ઓગસ્ટ સુધી ૬૫ અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. ૨૦૨૩ના ૧૫૬૪ લિસ્ટિંગ થકી ૫૫.૪ અબજ ડોલરની સાપેક્ષે વાર્ષિક ૧૭.૪ ટકાનો ઉછાળો ૨૦૨૪માં જોવા મળ્યો છે. આંકડાની દ્રષ્ટિએ આઈપીઓ ઘટયાં છે પરંતુ ૨૦૨૪માં મોટા ભરણાનું પ્રમાણ વધારે હતુ.

એશિયા-પેસિફિક (એપીએસી) ક્ષેત્રમાં સૌથી વધુ વ્યવહારો નોંધાયા હતા. કુલ ૫૭૫ આઈપીઓમાં કંપનીઓએ ૨૩.૭ અબજ ડોલર એકત્ર કર્યા હતા, જ્યારે ઉત્તર અમેરિકામાં ૨૫.૪ અબજ ડોલરના ૧૪૯ સોદા થયા હતા તેમ ગ્લોબલ ડેટાએ જણાવ્યું.

૨૦૨૪ના પ્રથમ આઠ મહિનામાં કુલ ૧૨.૨ અબજ ડોલરના ૨૨૭ આઈપીઓ સાથે એપીએસી માર્કેટમાં ભારત ટોચે રહ્યું છે. ભારતમાં આ સમયગાળામાં એસએમઈ આઈપીઓની ભરમાર રહી હતી. ૨૩.૧ અબજ ડોલરના ૧૩૩ સોદા સાથે યુએસ બીજા ક્રમે છે, જ્યારે ચીન ૫.૩ અબજ ડોલરના ૬૯ સોદા સાથે ત્રીજા ક્રમે છે.ભારતમાં વર્ષના આ છેલ્લા ક્વાર્ટરમાં તો અનેક અગ્રણી કંપનીઓ – હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, સ્વિગી, હેક્સાવેર ટેક્નોલોજીસ, એનટીપીસી ગ્રીન એનર્જી, એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટાટા પ્લે અને વિશાલ મેગા માર્ટનો આઈપીઓ તો હજી આવવાનો બાકી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા લગભગ રૂ. ૬૦,૦૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Exit mobile version