છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોરા ગામમાં ઠગોએ SBI નકલી બ્રાન્ચ ખોલીને લાખોની છેતરપિંડી આચરી
Raipur, તા.૪
છત્તીસગઢમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ઠગોએ SBI બેંકની જ નકલી બ્રાન્ચ શરૂ કરી દીધી. એટલું જ નહીં, આ ઠગોએ લાખો રૂપિયા લઈને ઉમેદવારોને નકલી નિમણૂંક પત્રો પણ આપી દીધા. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. જોકે, હાલ તમામ આરોપીઓ ફરાર છે. પોલીસનું કહેવું છે કે કોરબા અને કવર્ધાના ઘણા લોકો સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે.
આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે મનોજ અગ્રવાલ નામના વ્યક્તિ કિસ્યોસ્ક બ્રાન્ચ ખોલવા માટે અરજી કરવા પહોંચ્યા હતા. જ્યારે તેમણે છપોરા ગામમાં SBIની બ્રાન્ચ જોઈ ત્યારે તેમને થોડી શંકા ગઈ હતી. જ્યારે તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ બ્રાન્ચ અસલી નહીં, પરંતુ નકલી છે. જે બાદ તેમણે આ અંગેની જાણ ડભરા બ્રાન્ચના અધિકારીઓને કરી હતી. જેથી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
અધિકારીઓએ આ મામલે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે નકલી બેંકમાં કામ કરનારા કર્મચારીઓને નકલી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને તેમને ટ્રેનિંગના નામે અહીં બેસાડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે કથિત બેંક મેનેજર ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના બેંક સાથે સંબંધિત ડોક્યુમેન્ટ મળ્યા નથી. પોલીસે કોમ્પ્યૂટર સિસ્ટમ અને હાર્ડ ડિસ્કને જપ્ત કરી છે.
SDOPમનીષ કુમાર ધ્રુવે જણાવ્યું કે, પોલીસે ત્રણ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ નકલી બેંકની બ્રાન્ચ માટે ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને નોકરી આપવામાં આવી હતી. સંગીતા કવર નામની મહિલા પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા, લક્ષ્મી યાદવ પાસેથી ૨ લાખ રૂપિયા, પિન્ટુ મરાવી પાસેથી ૫.૮૦ લાખ રૂપિયા અને પરમેશ્વર રાઠોડ પાસેથી ૩ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ તમામ લોકોને નકલી નિમણૂક પત્રો પકડાવીને તેમની સાથે ટ્રેનિંગના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી.